Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ૩૦ના મોત : ૪૦ ને ઇજા

ઇદનો તહેવાર ઉજવવા મજુર પરિવારના સભ્યો જતા હતા ત્યારે દુર્ઘટના

ઇસ્લામાબાદ, તા. ૧૯ : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સોમવારે બસ અને ટ્રકની ટક્કરમાં ૩૦ મુસાફરોના મોત થયા છે. જેમાં મહિલાઓ અને બાળક પણ સામેલ છે. આ દૂર્ઘટનામાં ૪૦થી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં ૪ની સ્થિતિ ગંભીર છે. આ અકસ્માત મુજફ્ફરગઢના ડેરા ગાજી ખાન પાસે તનુસા રોડ પર થયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બસ ફૂલ સ્પીડમાં ચાલી રહી હતી. ડિસ્ટ્રિકટ ઇમરજન્સી અધિકારી ડૉ. નૈય્યર આલમે જણાવ્યુ કે બસમાં ૭૫ મુસાફર સવાર હતા. જેમાંથી મોટાભાગના મજૂર હતા જે ઇદના તહેવાર પર રજા મનાવવા માટે ઘરે જઇ રહ્યા હતા. બસ સિયાલકોટથી રાજનપુર જઇ રહી હતી. વિસ્તારના કમિશનર ડૉ. ઇરશાદ અહેમદે જણાવ્યુ કે ઘટનાસ્થળે રાહત અને બચાવ ટીમ પહોચી ગઇ છે. મૃતકોના શબ અને ઘાયલોને ડેરા ગાજી ખાન વિસ્તારની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદે કહ્યુ કે તે ઘટના પર નજર રાખી રહ્યા છે.

(3:34 pm IST)