Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ગાયના પેટમાંથી નીકળ્યું ૨૧ કિલો પ્લાસ્ટિક : ડોકટર્સ પણ ચોંકી ગયા

કર્ણાટકના ચિક્કમગલુરુ જિલ્લાના કદુર તાલુકામાં

બેંગ્લોર તા. ૧૯ : કર્ણાટકનાં ચિક્કમગલુરૂ જિલ્લાનાં કદુર તાલુકામાં એક પ્રાણીનાં તબીબે ગુરુવારે સર્જરી કરતી વખતે એક ગાયનાં પેટમાંથી ૨૧ કિલો પ્લાસ્ટિક કાઢયું હતું. ગાય લાંબા સમયથી તેના રૂમેનમાં એટલી મોટી માત્રામાં પ્લાસ્ટિક એકઠુ કર્યુ હતુ.

રૂમેનને જુગાલી કરનારનું પ્રથમ પેટ કહેવામાં આવે છે. ૩ થી ૪ વર્ષની ઉંમરે, ગાયને સૂજન, નબળાઇ અને પોષણનો અભાવ થવાનું શરૂ થયું હતુ, કારણ કે તેની પાચક શકિત ઓછી થઈ ગઈ હતી. ડોકટરે ૪ કલાકની સફળ સર્જરી પછી સરકારી વેટરનરી હોસ્પિટલમાં ગાયનાં શરીરમાંથી ૨૧ કિલો પ્લાસ્ટિક કાઢી નાખ્યું છે. વેટરનરી ઓફિસર ડો.બી.ઈ.અરુણે કહ્યું છે કે, જયારે કોઈ ગાય પ્લાસ્ટિક ખાય છે, ત્યારે તે તેને પાચન કરી શકતી નથી અને આગળ તે મોકલી શકતી નથી, જેના કારણે તે આજીવન તેના પેટમાં એકઠુ થયા કરે છે. રૂમેનમાં તાપમાન વધે છે અને પ્લાસ્ટિક શરીરની અંદર ઓગળવા લાગે છે. આને કારણે અન્ય ખોરાકને પચાવવાની જગ્યા મળતી નથી. આ કારણ છે કે લોહીને જરૂરી પોષક તત્વ ફરી ખાવાથી મળતુ નથી. સર્જરી દરમિયાન ગાયને ઉભી રાખવામાં આવી હતી અને તેને સ્થાનિક એનેસ્થીસિયા આપવામાં આવ્યું હતું. ડોકટરે કહ્યું કે, ગાય હવે સ્વસ્થ છે, તેને આગામી પાંચ દિવસ સુધી એન્ટિબાયોટિકસ આપવામાં આવશે. આ સાથે ગાયને દુઃખાવો ઘટાડવા માટેની દવાઓ પણ આપવામાં આવી છે.

અરૂણે છેલ્લા એક વર્ષમાં આવા ૧૦-૧૫ કેસનો ઉપચાર કર્યો છે. તેમણે કહ્યું કે, આવી સ્થિતિ અન્ય કોઈ પ્રાણીની ન બને તે માટે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થવો જરૂરી છે. જયારે પણ તમે ખોરાક ફેંકી દો છો અથવા પ્રાણીઓને ખવડાવો છો, ત્યારે તેને પ્લાસ્ટિકનાં કવરમાં ન રાખો. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળો, જેથી શાંત પ્રાણીઓ આવી સ્થિતિમાં જતા બચાવી શકે.

(12:56 pm IST)