Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ઈન્‍ડોનેશીયા બન્‍યુ કોરોના મહામારીનું નવુ કેન્‍દ્ર

ભારત અને બ્રાઝીલને પાછળ રાખી દીધાઃ રોજ ૫૭૦૦૦થી વધુ દર્દીઓ ઉભરી રહ્યા છે : હોસ્‍પીટલો હાઉસફુલઃ ઓકિસજન નથીઃ તંબુમાં દર્દીઓની સારવારઃ રસીકરણ પણ ધીમુ

નવી દિલ્‍હી, તા. ૧૯ : દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર હજુ ચાલુ છે. ભારત તથા બ્રાઝીલને પાછળ છોડી ઈન્‍ડોનેશીયા કોરોના મહામારીનું નવુ કેન્‍દ્ર બન્‍યુ છે.

કોરોનાને કારણે ઈન્‍ડોનેશીયાની હાલત અત્‍યંત દયાજનક બની ગઈ છે. કોરોના વાયરસના ડેલ્‍ટા વેરીયન્‍ટે સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયાને પોતાના સિકંજામાં લઈ લીધેલ છે. વિયેટનામ, મલેશીયા, મ્‍યામાર અને થાઈલેન્‍ડમાં પણ સ્‍થિતિ બગડવા લાગી છે અને સરકારો લોકડાઉન લગાવવા મજબૂર બની છે.

ઈન્‍ડોનેશીયામાં રોજ સરેરાશ ૫૭ હજારથી વધુ દર્દીઓ સામે આવી રહ્યા છે. શુક્રવારે ૧૨૦૫ લોકોના મોત સાથે કુલ મૃત્‍યુઆંક ૭૧૦૦૦ને પાર થઈ ગયો હતો. નિષ્‍ણાંતોના કહેવા મુજબ ઈન્‍ડોનેશીયા વિશ્વની સૌથી વધુ વસ્‍તીવાળો ચોથો દેશ છે.

અહીં ટેસ્‍ટીંગનો દર ઘણો ઓછો છે તેવામાં દર્દીઓનો વાસ્‍તવિક આંકડો વર્તમાન આંકડાથી ૩થી ૬ ગણો વધુ હોય શકે છે. અહીં હોસ્‍પીટલોમાં મોત તાંડવ મચાવી રહ્યુ છે અને ઘરે પણ રોજ ૪૦થી વધુના મોત થઈ રહ્યા છે.

સૂત્રો જણાવે છે કે દેશના ૧૦ ટકા સ્‍વાસ્‍થ્‍ય કર્મીઓ આઈસોલેટ થઈ ગયા છે. હોસ્‍પીટલોમાં ઓકિસજનનો વપરાશ ૫ ગણો વધી ગયો છે.

અહીં ડેલ્‍ટાએ તબાહી મચાવી છે. લોકો હોસ્‍પીટલ કે તંબુમાં દાખલ થવા કલાકો રાહ જોઈ રહ્યા છે. હોસ્‍પીટલોમાં ઓકિસજન નથી અને ખુદે વ્‍યવસ્‍થા કરવી પડે છે. ઓકિસજન વગર હોસ્‍પીટલ આવતા દર્દીઓને દાખલ નથી કરાતા.

ઈન્‍ડોનેશીયામાં ફકત ૨.૭ કરોડ લોકોને રસી આપવામાં આવી છે. આમાથી ફકત ૬ ટકાને બન્‍ને ડોઝ લાગ્‍યા છે. અહીં ચીનની રસી આપવામાં આવે છે જે ઓછી અસરદાર છે. બન્ને ડોઝ લીધેલા ૨૦ ડોકટરોના મોત પણ થયા છે. એવામાં ડોકટર તથા સ્‍ટાફ ચિંતિત છે અને ઈલાજ કરતા ગભરાય રહ્યા છે.

(10:20 am IST)