Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

કિસાન આંદોલનથી લઈને મોંઘવારીના મામલે સંસદમાં હોબાળો

સંસદના ચોમાસુ સત્રનો હંગામેદાર પ્રારંભઃ ગૃહ શરૂ થતા જ વિપક્ષોએ કરી નારેબાજીઃ ગૃહ બપોર સુધી મુલત્વી : લોકસભા-રાજ્યસભામાં વડાપ્રધાન નવા પ્રધાનોનો પરિચયવિધિ કરાવી ન શકયાઃ વિપક્ષ ઉપર કર્યા પ્રહારો

નવી દિલ્હી, તા. ૧૯ :. સંસદના ચોમાસુ સત્રનો હંગામેદાર પ્રારંભ થયો છે. વિપક્ષોએ ગૃહ શરૂ થતા જ વિવિધ મુદ્દે હંગામો કરતા લોકસભા અને રાજ્યસભાની બેઠક બપોર સુધી મુલત્વી રાખવાની ફરજ પડી હતી.

વિપક્ષોએ હંગામાને કારણે લોકસભા અને રાજ્યસભામાં વડાપ્રધાન નવા પ્રધાનોનો પરિચયવિધી પણ કરાવી શકયા નહોતા. રાજ્યસભામાં સરકારના વિરોધ કરતા સભ્યો વચ્ચે પહોંચી ગયા હતા. સભાધ્યક્ષે સભ્યોને મર્યાદામાં રહેવાની અપીલ કરી હતી. વિરોધના કારણે રાજ્યસભા પહેલા ૧૨.૨૪ કલાક સુધી બાદમાં ૨ વાગ્યા સુધી અને પછી છેલ્લે ૩ સુધી મુલત્વી રહી હતી.

લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષોએ હોબાળો મચાવતા વડાપ્રધાને પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો. વિપક્ષની માનસિકતાને મહિલા વિરોધી ગણાવતા તેમણે કહ્યુ હતુ કે દલિત અને આદિવાસી સમુદાયના પ્રતિનિધિથી કેટલાકને પેટમાં દુખે છે.

આજે ગૃહ શરૂ થતા જ લોકસભામાં વિપક્ષોએ સરકાર વિરૂદ્ધ નારેબાજી કરી હતી. કિસાન આંદોલનથી લઈને મોંઘવારી સુધીના નારા લાગ્યા હતા. વડાપ્રધાને પોતાનુ સંબોધન શરૂ કર્યુ તો હંગામો ચાલુ રહ્યો હતો. તેઓ હંગામા વચ્ચે બોલતા રહ્યા હતા.

લોકસભાના સ્પીકરે ગૃહની ગરિમા જાળવવા અપીલ કરી હતી પરંતુ તેની કોઈ અસર જોવા મળી ન હતી.  રક્ષામંત્રી રાજનાથે હંગામાને દુખદ અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી કહ્યુ હતુ કે મેં આવા દ્રશ્યો ૨૪ વર્ષમાં કદી નથી નિહાળ્યા.

(3:19 pm IST)