Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

કર્ણાટક વિધાનસભા ફરીવાર 22મી સુધી મુલતવી : વિશ્વાસનો મત હવે સોમવારે 22મીએ લેવાશે

રાજ્યમાં રાજકીય સંકટ ચરમસીમાએ : વિધાનસભાનાં બહારનાં ગેટ પર બે લક્ઝરી બસો મુકાઈ

બેંગ્લોર, તા. ૧૯: કર્ણાટકમાં રાજકીય ડ્રામાનો દોર જારી છે. આજે સતત બીજા દિવસે વિશ્વાસમત વગર જ કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીની ખુરશી બચશે કે નહીં તે અંગે રાજકીય ડ્રામાબાજી વચ્ચે આજે પણ બહુમત પરીક્ષણ માટે મતદાન થયું ન હતું. કર્ણાટક વિધાનસભાના સત્રને હવે ૨૨મી જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. વિશ્વાસમત માટે હવે સોમવારના દિવસે મતદાન થશે. બીજી બાજુ ભાજપના નેતા સુરેશકુમારે કહ્યું છે કે જો કાર્યવાહીને લાંબી ખેંચાશે તો વિશ્વાસમતના મહત્વને ખતમ કરી દેવામાં આવશે. બીજી બાજુ અસંતુષ્ટ ધારાસભ્યોના નિર્ણયની સામે કોંગ્રેસ પાર્ટી સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે. મુખ્યમંત્રી કુમારસ્વામી પણ રાજ્યપાલની દરમિયાનગીરીને લઇને સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા છે.  ગઇકાલે ગુરૂવારના દિવસે જોરદાર અને લાંબા ચર્ચા ચાલ્યા બાદ આજે બીજા દિવસે ફરી ચર્ચા શરૂ કરવામાં આવી હતી. બીજી બાજુ વિશ્વાસમત પર ચર્ચાને ગઇકાલે રાત્રે સ્થગિત કરવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ આની સામે દેખાવો રાતભર કર્યા હતા. ભાજપના ધારાસભ્યો રાત્રી ગાળા દરમિયાન ધરણા પર રહ્યા બાદ કોંગ્રેસના અને જેડીએસના કેટલાક સભ્યો ચા નાસ્તા સાથે પહોંચ્યા હતા. ગુરુવારના દિવસે વિશ્વાસમત પરીક્ષણ વગર સ્પીકર રમેશકુમારે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. આનો વિરોધ કરીને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ ધરણા પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. ભાજપના ધારાસભ્યોએ માંગ કરી હતી કે, સ્પીકર રાજ્યપાલના પત્રનો જવાબ આપે અને વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરાવે. માંગ ન માનવાની સ્થિતિમાં ધારાસભ્યોએ રાત્રે વિધાનસભા સંકુલમાં ધરણા પર બેસવાની જાહેરાત કરી હતી. રાતભર ધરણાનો દોર ચાલ્યો હતો.  રાજ્યના મુખ્યમંત્રી કુમારસ્વામીએ ગઇકાલે ગૃહમાં વિશ્વાસમત પરીક્ષણ માટે તારીખ નક્કી કરી હતી. ગુરુવારે સવારે વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે જોરદાર ચર્ચા થઇ હતી. સુપ્રીમ કોર્ટમાં અનેક મામલા પહોંચી ગયા છે. કોંગ્રેસ અને જેડીએસના સભ્યોએ કાર્યવાહીને સ્થગિત કરવાની માંગ કરી હતી જે છેલ્લે સ્વીકારી લેવામાં આવી હતી. બહુમત સાબિત કરવા માટે ગવર્નર દ્વારા લખવામાં આવેલા પત્રની સામે કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી દીધી છે.

કર્ણાટકમાં ડ્રામા જારી..

¨    કર્ણાટકમાં સતત બીજા દિવસે વિશ્વાસમત પર મતદાન ન થયું

¨    રાજ્યપાલના આદેશ છતાં સ્પીકરે વિશ્વાસમત પર વોટિંગ નહીં કરાવી ચર્ચા છેડી

¨    વિધાનસભા સત્રને ૨૨મી જુલાઈ સુધી સ્થગિત કરાયું

¨    વિશ્વાસમત માટે વોટિંગ હવે સોમવારના દિવસે થશે

¨    બહુમતિ પુરવાર કરવા રાજ્યપાલ દ્વારા લખાયેલા પત્રની સામે કુમારસ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી

¨    ૧૫ અસંતુષ્ટ સભ્યો દ્વારા પણ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરાઈ

 

(9:42 pm IST)