Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

સ્વતંત્રતા દિવસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જરૂરી સૂચનો મંગાવ્યા છે

૧૫મી ઓગસ્ટને યાદગાર બનાવવાની તૈયારી : નમો એપ મારફતે લોકો જરૂરી સૂચનો કરી શકે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, તા. ૧૯ : આ વખતે ૧૫મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ તરીકે રહેનાર છે. મોદી સરકારની બીજી અવધિમાં આ પ્રથમ સ્વતંત્રતા દિવસ રહેશે. આને યાદગાર બનાવવા માટેના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. મોદીએ લોકો પાસેથી ૧૫મી ઓગસ્ટના દિવસે થનાર તેમના ભાષણ માટે સૂચનો મંગાવ્યા છે. મોદીએ આના માટે શુક્રવારે ટ્વિટ કરીને સૂચનો આમંત્રિત કર્યા હતા.

 વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું છે કે, તેમને ૧૫મી ઓગસ્ટના ભાષણમાં તમામ લોકોના કિંમતી અભિપ્રાયોને સામેલ કરવાની ખુશી થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, લાલ કિલ્લાના ઐતિહાસિક સ્થળ પરથી ૧૩૦ કરોડ ભારતીયોને સાંભળવા માટે તેઓ પણ તૈયારી કરી રહ્યા છે. મોદીએ લખ્યું છે કે, નમો એપ મારફતે વિચાર મોકલી શકાય છે. ઓપન ફોરમમાં પોતાના સૂચનો કરી શકાય છે.

નમો એપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર એપ તરીકે છે. આને લાખો લોકોએ ડાઉનલોડ કરીને રાખ્યા છે. આને પ્લે સ્ટોરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આ એપ ન્યુઝ એન્ડ મેગેઝિન કેટેગરીમાંથી મળે છે જેના મારફતે વડાપ્રધાન પ્રજા સાથે સીધીરીતે વાત કરે છે. લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે જીત મેળવ્યા બાદ મોદીની બીજી અવધિમાં પ્રથમ વખત સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. લોકસભા ચૂંટણીમાં ૫૪૨ સીટો પૈકી ગઠબંધને ૩૫૨ સીટો જીતીને ઇતિહાસ રચ્યો હતો તે પહેલા ૩૩૬ બેઠકો મળી હતી. બીજી બાજુ કોંગ્રેસ ગઠબંધનને ૨૦૧૯ની ચૂંટણીમાં ઓછી સીટો મળી હતી. કોંગ્રેસ પાર્ટીને એકલા હાથે ૨૦૧૯ની ચૂંટણીમાં બાવન સીટો મળી હતી. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીને માત્ર એક જ સીટ મળી હતી. સોનિયા ગાંધી  જીતી શક્યા હતા.

(7:19 pm IST)