Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

૪૦ વર્ષથી વાળ કાપ્યા કે ધોયા ન હોવાથી લોકોએ બનાવી દીધા જટાવાળા બાબા

પટણા તા. ૧૯: અજીબોગરીબ શોખ પાળવાની હિંમત બહુ જૂજ લોકો કરી શકે છે. બિહારના મુંગેર જિલ્લાના ૬૩ વર્ષના સકલ દેવ ટુડ્ડુ નામના ભાઇની વાત પણ આવા જ અતરંગી છે. તેમના માથાની લાંબી ગૂંચભરેલી જટા સ્થાનિકોમાં જબરો ચર્ચાનો વિષય છે. સકલદેવનો દાવો છે કે તેણે લગભગ ૪૦ વર્ષથી માથાના વાળ કપાવ્યા નથી કે ઇવન ધોયા પણ નથી. તેના માથે ગૂંચળું વળી ગય.ેલા વાળ જોઇને તેની વાત સાચી હોય એવું લાગે છે. જોકે આવું કરવાનું કારણ ભાઇસાહેબ અજીબ આપે છે. ટંગડા ગામના રહેવાસી સકલદેવનું કહેવું છે કે '૪૦ વર્ષ પહેલાં મને એક વાર સપનામાં ભગવાન દેખાયા હતા અને તેમણે આદેશ આપતાં કહ્યું હતું કે હવે કદી તારા વાળ કાપીશ કે ધોઇશ નહીં. બસ, મેં એ હુકમને ભગવાનના આશીર્વાદ સમજીને માની લીધો અને વાળને સાચવીને રાખવા લાગ્યો. આ જ કારણોસર અત્યારે મારા વાળ લગભગ સાત ફુટ અને ત્રણ ઇંચ લાંબા છે.' ૩૧ વર્ષ સુધી વનવિભાગમાં કામ કરી ચૂકેલા સકલદેવનું કહેવું છે કે તેને બાળપણથી જ વાળ લાંબા રાખવાનો શોખ હતો, પણ ભગવાનના આદેશ પછી તો તરત જ તેમણે એ સ્વીકારી લીધો. હવે માથાની જટા એટલી લાંબી થઇ ગઇ છે કે લોકો પણ તેને જટાવાળા બાબા કહેવા લાગ્યા છે.

(3:55 pm IST)