Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

કોંગ્રેસનો દાવો... ચર્ચા ચાલુ રહેશે, ભલે સોમવાર થઈ જાયઃ વજુભાઈ ગો બેકના નારા લગાવ્યા કોંગી ધારાસભ્યોએ

કર્ણાટકમાં તોળાતુ રાષ્ટ્રપતિ શાસન કે ગવર્નર રૂલઃ વજુભાઈ વાળાએ આપેલી બહુમતી સાબિત કરવાની ડેડલાઈન પુરીઃ વિલંબની રાજનીતિ !

કુમારસ્વામીનો આરોપ... મારા ધારાસભ્યોને ભાજપ ૪૦થી ૫૦ કરોડની ઓફર કરી રહ્યુ છે : શું કુમારસ્વામી ફલોર ટેસ્ટ અટકાવીને રાજીનામાના બદલે વિધાનસભાને બરતરફ કરવાનો ખેલ ખેલશે?

બેંગ્લોર, તા. ૧૯ :. કર્ણાટકની રાજનીતિમાં ઉભુ થયેલુ સંકટ ૧૫ દિવસથી ચાલુ છે. આજે વિધાનસભામાં ફલોર ટેસ્ટ થવાની ડેડલાઈન રાજ્યપાલ વજુભાઈ વાળાએ આપી હતી તે પુરી થઈ ગઈ છે છતાં ગૃહમાં હજુ ચર્ચા ચાલુ છે અને બળાબળના પારખા થયા નથી. હવે જોવાનુ એ રહે છે કે રાજ્યપાલ શું પગલુ લ્યે છે ? રાજયમાં રાષ્ટ્રપતિ શાસન કે ગવર્નર રૂલ આવે તેવી શકયતા હોવાનું જાણકારો કહી રહ્યા છે. જેડીએસ અને કોંગ્રેસ દ્વારા ડીલે ટેકટીક એટલે કે વિલંબની નીતિ અપનાવવામાં આવી રહી છે. દરમિયાન કોંગ્રેસના નેતા સિદ્ધા રમૈયાએ જણાવ્યુ છે કે ગૃહમાં ચર્ચા ચાલુ છે અને તે સોમવાર સુધી લંબાઈ પણ શકે છે. તો ભાજપે ગઠબંધન સરકાર ઉપર આરોપ મુકયો છે કે બહુમતી સાબિત કરવામા જાણી જોઈને વિલંબ કરવામાં આવે છે. આજે હોબાળો વચ્ચે બપોરે ૩ સુધી ગૃહ સ્થગિત રાખવામાં આવ્યુ હતું.

કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ આજે એવો આરોપ મુકયો હતો કે ધારાસભ્યોને ૪૦થી ૫૦ કરોડની ઓફર કરવામાં આવી રહી છે. આ પૈસા કોના છે? તે સવાલ હું પુછુ છું. આજે કોંગ્રેસે ગૃહ ગજાવ્યુ હતુ અને રાજ્યપાલ પાછા જાવ તેવા નારા લગાવ્યા હતા. રાજ્યપાલે ગૃહની કાર્યવાહીમાં ચંચુપાત કર્યો હોવાનો કોંગ્રેસનો આરોપ હતો. દરમિયાન સ્પીકરે કહ્યુ છે કે હું મતદાનમાં વિલંબ કરાવતો નથી.

કર્ણાટકમાં જે પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેનાથી નિર્દેશ મળે છે કે રાજ્યમાં હવે ગમે ત્યારે મોટી નવાજૂની થશે. રાષ્ટ્રપતિ શાસન અથવા રાજ્યપાલનું શાસન આવી શકે છે. એવા સંકેતો મળે છે કે કુમારસ્વામી ખુદ રાજીનામુ આપવા નથી ઈચ્છતા પરંતુ કાર્યવાહીને લંબાવવા માગે છે. જો વોટીંગ ન થાય તો રાજ્યપાલ વજુભાઈ વાળા દખલ દેશે કારણ કે તેમણે જ વોટીંગનો આદેશ આપ્યો છે.

આ સ્થિતિમાં રાજ્યપાલ વજુભાઈ વાળા સરકાર પર એકશન લઈ શકે છે અથવા કેન્દ્ર સરકારની મદદ લઈ શકે છે. રાજ્યપાલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સલાહ અનુસાર કામ કરતા હોય છે. જો કેન્દ્ર એકશનમાં આવે અને રાજ્ય સરકારને બરતરફ કરે તો પછી રાષ્ટ્રપતિ શાસન આવી શકે છે. આ સ્થિતિમાં કુમારસ્વામી ધરાર હટાવવાની વાત જણાવી ભાજપ પર આરોપ મુકી શકે છે તેનો ફાયદો તેમને ચૂંટણીમાં મળી શકે છે.

(3:31 pm IST)