Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

એરસેલ-મેક્સિસ : ચિદમ્બરમ ચાર્જશીટમાં આરોપી દર્શાવાયા

પુરક ચાર્જશીટમાં પુત્ર કાર્તિ ચિદમ્બરમ સામેલ : સીબીઆઈએ દાખલ કરેલી નવી ચાર્જશીટમાં અન્ય ૧૭ લોકોના નામનો ઉલ્લેખ : બે લેવડદેવડ કરાયાનો ઉલ્લેખ

નવીદિલ્હી,તા. ૧૯ : એરસેલ-મેક્સિસ કેસમાં સીબીઆઈએ આજે પુરક ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના નામનો ઉલ્લેખ કરાયો છે. સીબીઆઈએ ચિદમ્બરમની સાથે અન્ય ૧૭ લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે. આ ૧૭ નામમાં સેવા નિવૃત્ત અને હાલ ફરજ બજાવતા અધિકારીઓના નામનો પણ ઉલ્લેખ છે. સીબીઆઈએ ચાર્જશીટમાં કહ્યું છે કે, વિદેશી મૂડીરોકાણ પ્રોત્સાહન બોર્ડની મંજુરી સાથે સંબંધિત પૈસાની બે વખત લેવડદેવડ કરવામાં આવી હતી. સીબીઆઈની આ નવી ચાર્જશીટમાં ચિદમ્બરમનું નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટ આ સમગ્ર મામલામાં ૩૧મી જુલાઈના દિવસે દસ્તાવેજોમાં ધ્યાન આપશે. સીબીઆઈ જજ ઓપી સૈની સમક્ષ ચાર્જશીટ દાખલ કરાઈ છે. અન્ય ૧૬ લોકોના નામનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે તેમાં મલેશિયન મિડિયા સમ્રાટ ટી આનંદ ક્રિષ્નન, વોલ્ફ માર્શલ, પૂર્વ કેન્દ્રીય આર્થિક બાબતોના સેક્રેટરી અશોકકુમાર ઝા, તત્કાલિન એડિશનલ સેક્રેટરી અશોક ચાવલા, બે સર્વિંગ આઈએએસ ઓફિસર કુમાર સંજય કૃષ્ણ, ડિરેક્ટર દિપકકુમાર સિંહ, અન્ડર સેક્રેટરી રમેશ શરણ, એસ ભાસ્કરરમન, એ પલાનીઅપ્પમ, વી શ્રીનિવાસન, કંપની ચેસ મેનેજમેન્ટ, એડવાન્ટેજ સ્ટ્રેટેજીક કન્સલ્ટીંગ, એસ્ટ્રો ઓલ એશિયા નેટવર્ક, મેક્સિસ મોબાઇલ મલેશિયા, બુમી અરમન્ડા (મલેશિયા)નો સમાવેશ થાય છે. તેની નવી ચાર્જશીટમાં તપાસ સંસ્થાએ કહ્યું છે કે, મની ટ્રાયલના બે સેટ ઓળખી કાઢવામાં આવ્યા છે. એટલે કે વિદેશી મૂડીરોકાણ પ્રોત્સાહન બોર્ડની મંજુરી બાદ બે વખત પૈસાની લેવડદેવડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલામાં ચિદમ્બરમની પુછપરછ પણ થઇ ચુકી છે. કાર્તિની કંપની ચેસ મેનેજમેન્ટ અને એડવાન્ટેજ સ્ટ્રેટેજીકને ૨૬ લાખ અને ૮૭ લાખની ચુકવણી કરવામાં આવી હતી. એરસેલ-મેક્સિસ સોદાબાજી દરમિયાન આ નાણા ચુકવવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં સીબીઆઈએ આક્ષેપ કર્યો છે કે, એફઆઈપીબીની મંજુરી માટે તત્કાલિન નાણામંત્રી ચિદમ્બરમને ૬૦૦ કરોડ રૂપિયાની મંજુરી આપવા સત્તા રહેલી હતી. નાણામંત્રી તરીકે ચિદમ્બરમે સીસીઇએને ફાઇલ મોકલ્યા વગર પોતાના સ્તરે રોકાણને મંજુરી આપી હતી. શરૂઆતથી છેલ્લી સુધી તેમની પાસે તમામ માહિતી હતી. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલનું કહેવું છે કે, તેમની પાર્ટીના નેતાને ફસાવવા સીબીઆઈના આ પ્રયાસો પણ સફળ સાબિત થશે નહીં. અગાઉ પણ તપાસ સંસ્થા દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી ચુકી છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં સીબીઆઈએ ટુજી ભ્રષ્ટાચાર કેસમાં મની લોન્ડરિંગ આરોપો અને ભ્રષ્ટાચારના આરોપમાં પૂર્વ ટેલિકોમ પ્રધાન એ રાજા, ડીએમકેના રાજ્યસભાના સભ્ય કાનીમોઝી સહિત તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૩મી જૂન ૨૦૧૮ના દિવસે ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની મુશ્કેલી વધી ગઈ હતી. કારણ કે, એરસેલ-મેક્સિસ કેસના સંદર્ભમાં કાર્તિ અને અન્યો સામે ઇડી દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ઇડીએ ચાર્જશીટ દાખલ કરીને કાર્તિની મુશ્કેલીમાં વધારો કરી દીધી હતી. ૧૩મી જૂનના દિવસે  દિલ્હી કોર્ટ સમક્ષ કાર્તિ ચિદમ્બરમ અને અન્યો સામે ચાર્જશીટ દાખલ કરતી વેળા ઇડીએ કહ્યું હતું કે, એરસેલ-મેક્સિસ સોદાબાજીમાં મળેલા ૨૬ લાખ રૂપિયાના ફંડ મામલામાં કાર્તિ ચિદમ્બરમ કંપની ઉપર નિયંત્રણ ધરાવતા હતા. એડવાન્ટેજ સ્ટ્રેટેજીક કન્સલ્ટીંગ પ્રાઇવેટ લિમિટેડ મની લોન્ડરિંગ કેસમાં સામેલ હોવાની વાત કરવામાં આવી હતી. ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કેસના સંદર્ભમાં આજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કાર્તિ ચિદમ્બરમ, એડવાન્ટેજ સ્ટ્રેટેજિક કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટે, ચેસ મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ, અન્ય કેટલાક સામે પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

કાર્તિ ચિદમ્બરમે કંપની સ્થાપિત કરવા માટે ફંડની વ્યવસ્થા કરી હતી. અત્રે નોંધનીય છે કે, કાર્તિ ઉપરાંત ઇડી દ્વારા ચિદમ્બરમની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની ૧૨મી જૂનના દિવસે એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં બીજા રાઉન્ડમાં પુછપરછ કરવામાં આવી હતી. કલાકો સુધી તેમની પુછપરછ ચાલી હતી. આ પહેલા પણ તેમની જુદા જુદા પાસાઓ ઉપર છ કલાકથી વધુ સમય સુધી પુછપરછ કરવામાં આવી હતી.

(7:52 pm IST)