Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

૨૧ જુલાઇના રોજ સરકાર આપી શકે છે મોટી રાહત

સામાન્ય માણસને મળશે ખુશખબર

નવી દિલ્હી તા. ૧૯ : ૨૧ જુલાઈના રોજ થનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ગ્રાહકો માટે રાહતના સમાચાર આવી શકે છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં લગભગ ૨૪થી ૩૨ ઉત્પાદનોના દર ઓછા થવા પર ફેસલો લેવાઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ગ્રાહકોના ઉપયોગની વસ્તુઓના ભાવોમાં ઘટાડો થઈ શકે છે. જેમાં જોબવર્ક, દેવી દેવતાઓની મૂર્તિઓ, વાર્ષિક લીવ્સ પર જીએસટી દરો ઓછા થવાનો નિર્ણય લેવાઈ શકે છે. કાઉન્સિલની બેઠકમાં એવિએશન સેકટરને મોંઘા ફયૂલમાંથી રાહત મળવાની આશા ઓછી છે. કારણ કે એટીએફના ભાવોમાં કપાતને આ વખતે એજન્ડામાં સામેલ કરવામાં આવ્યો નથી.

હેન્ડિક્રાફટ, હેન્ડલૂમ આઈટમોને ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકાના સ્લેબમાં લાવી શકાય છે. જયારે ઈલેકટ્રોનિક બુક પર જીએસટીના દર ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા થઈ શકે છે. આ ઉપરાંત અનેક અન્ય જરૂરી આઈટમ્સને ૧૨ ટકાના સ્લેબમાંથી કાઢીને ૫ ટકાના સ્લેમબમાં સામેલ કરવામાં આવી શકે છે.

ટુરિસ્ટ પ્લેસ પર ફરવુ અને રોકાવવું સસ્તુ બની શકે છે કારણ કે હોટલ રૂમના ભાડા પર વાસ્તવિક અને ઘોષિત રેન્ટ વચ્ચે સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. હોટલ રૂમ પર ઘોષિતની જગ્યાએ વાસ્તવિક રેન્ટ પર જીએસટી લગાવવામાં આવી શકે છે. તેનાથી હોટલ ૧૮ ટકાના સ્લેબમાં આવી જશે.

જો કે સૂત્રોના જણાવ્યાં મુજબ આ બેઠકમાં ૨૮ ટકાના સ્લેબવાળા ઉત્પાદનો પર હાલ જીએસટીના રેટ ઘટાડવાની શકયતા બહુ ઓછી છે. કારણ કે તેનાથી સરકારની તિજોરી પર અસર થશે. આ સ્લેબમાં ૪૨ પ્રોડકટ જ રહી ગઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં નેચરલ ગેસને જીએસટીમાં લાવવા પર ચર્ચા થઈ શકે છે. જો કે એટીએફને તરત જીએસટીમાં લાવવાની શકયતા ખુબ ઓછી છે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં સીમેન્ટ અને પેટન્ટ પર જીએસટી ઘટાડીને ૧૮ ટકા કરવા પર ચર્ચા થઈ શકે છે. હાલ તે ૨૮ ટકા છે. ન્યૂઝ એજન્સી કોજેન્સિસના એક સરકારી અધિકારીએ આ જાણકારી આપી છે. નોંધનીય છે કે સીમેન્ટ કંપનીઓ ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર માટે સીમેન્ટના એક મહત્વના રો મટિરિયલ હોવાની દલીલ કરતા તેના પર લાગતા જીએસટીમાં ઘટાડાની માગણી કરી રહી છે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં સૌથી મહત્વનો વિષય છે જીએસટી રિટર્ન. આ માટે એક જ ફોર્મ રાખવા પર ચર્ચા થઈ શકે છે. જીએસટીએનએ તેને અંતિમ સ્વરૂપ આપી દીધુ છે. એવી આશા છે કે તેના પર આમ સહમતિ બની જશે. ત્યારબાદ કારોબારીઓને કોઈ સમસ્યાઓ નડશે નહીં.(૨૧.૩૨)

(3:52 pm IST)