Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

૪૦ વર્ષની પત્નીએ ૨૦ વર્ષના પતિના કાન કાપી નાખ્યા

પોતાની માતાને મળવા ગયેલા પતિથી નારાજ પત્નીએ બંદૂકની અણીએ કારસ્તાન કર્યું

કોલકત્તા તા. ૧૯ : કોલકત્તામાં એક આઘાતજનક ઘટના બની છે. એક નજીવી બાબતમાં એક ૪૦ વર્ષીય મહિલાએ પોતાના ૨૦ વર્ષીય પતિના બંને કાન કાપી નાખતાં ખળભળાટ મચી ગયો હતો.

ઘટનાની વિગત એવી છે કે પીડિતનું નામ મોહમ્મદ તનીવર છે. મંગળવારે કોલકત્તાના નાગરકેલા વિસ્તારમાં રહેનાર ૨૦ વર્ષીય તનવીરનો એની ૪૦ વર્ષીય પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આટલી બાબતમાં પત્નીએ બંદૂકની અણીએ એના પતિના બંને કાન કાપી નાખ્યા હતા. સ્થાનિક લોકોની ચર્ચા અનુસાર મંગળવારે પત્નીને પૂછ્યા વિના યુવક પોતાની મા ને મળવા પહોંચ્યો હતો, જેના કારણે ગુસ્સામાં આવેલી પત્નીએ પતિના જ બંને કાન કાપી નાખ્યા.

તનવીરે બે વર્ષ પહેલાં પોતાનાથી ઉંમરમાં બમણી વયની મુમતાજ સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન પછી જ સંબંધોમાં સતત તણાવ રહેતો હતો. રોજના ઝઘડાને કારણે તનવીરે ઘર છોડીને ભાગવાની કોશિશ કરી. પરંતુ કથિત રીતે પત્નીના ગુંડાઓએ એને પકડી ઘરે લાવ્યો હતો. બાદમાં મુમતાજે પોતાની બહેન સાથે મળીને બંદૂકની અણીએ જ પતિના બંને કાન કાપી નાખ્યા હતાં. ઘટનાનો ભોગ બનેલાં તનવીરને એનઆરએસ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.  આ મામલે તનવીરે પોલીસ ફરિયાદ કરી હતી અને એમાં કહ્યું કે, જો મેં પ્રતિકાર કર્યો હોત તો મને મારી નાખ્યો હતો. પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. ઘટનાની તપાસ ચાલું છે.

(3:49 pm IST)