Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

રાહુલની નવી ટીમ તૈયારઃ OBC-બ્રાહ્મણોને મહત્વ

ઉત્તર પ્રદેશમાંથી એક પણ મુસ્લિમ નેતાને વર્કીંગ કમીટીમાં સ્થાન નહીં: આગમના એંધાણ ?

લખનૌ, તા. ૧૯ :. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૫૧ સભ્યોની વર્કિંગ કમીટી (સીડબલ્યુસી)ની પુનઃ રચના કરી નવી ટીમ તૈયાર કરી છે. જેમા ૨૩ સભ્યો ૧૮ સભ્યો અને ૧૦ વિશેષ આમંત્રિત સભ્ય બનાવાયા છે. યુવા અને દલિત ચહેરાને પ્રાધાન્ય અપાયુ છે જ્યારે પીઢ અને જૂના ચહેરાઓને આરામ અપાયો છે. દલીત, ઓબીસી અને બ્રાહ્મણોનું વજન વધ્યુ છે.

ઉત્તર પ્રદેશની જ વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાંથી છ સભ્યોનો સમાવેશ કરાયો છે, પરંતુ મુસ્લિમોની આ રાજ્યમાં ઘણી વસ્તી છે છતા એક પણ લઘુમતિ આગેવાનને સ્થાન અપાયુ નથી. ઉત્તર પ્રદેશમાં ઓબીસી, બ્રાહ્મણ અને દલિત નેતાઓને વર્કિંગ કમીટીમાં વિશેષ મહત્વ અપાયુ છે.

ગુજરાતમાં લઘુમતી અને રાજપૂત સમાજના પ્રતિનિધિ ઉપરાંત દિપક બાબરીયા અને લાલજી દેસાઈને પણ સ્થાન મળ્યુ છે.

ઉત્તર પ્રદેશમાં સલમાન ખુર્શીદ જેવા કદાવર નેતાને પણ સ્થાન અપાયુ નથી. ૨૩ સભ્યોમાં માત્ર ત્રણ લઘુમતિ આગેવાનોને સ્થાન મળ્યુ છે. મોહસીના કીડવાઈ વર્કિંગ કમીટીમાં હતા પરંતુ આ વખતે બહારનો દરવાજો બતાવી દેવાયો છે.

મહિલાઓની વાત કરીએ તો કુલ ૫૧માંથી સોનીયા ગાંધી સહિત માત્ર ૭ મહિલા સભ્યો છે જેની ટકાવારી ૧૫ ટકા પણ થતી નથી. ઉત્તર પ્રદેશમાં પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખની પણ જગ્યા ખાલી છે. ઉત્તર પ્રદેશ જેવા પ્રદેશમાં સોનીયા ગાંધી સિવાય એક પણ મહિલા સદસ્ય નથી ગુજરાતમાં એક પણ મહિલાનો કમીટીમાં સમાવેશ કરાયો નથી.

આગામી લોકસભા ૨૦૧૯ માટેની તૈયારી કોંગ્રેસે આરંભી દીધી છે, ત્યારે ભાજપને પછડાટ આપવા માટેની તૈયારીના ભાગરૂપે નવી ટીમની રચનામાં રાહુલ ગાંધીએ યુવાન ચહેરાઓને વધુ સ્થાન આપ્યુ છે. જે મુજબ જીતેન્દ્ર પ્રસાદને ખાસ આમંત્રીત બનાવાયા છે.

જો કે કોંગ્રેસમાં વર્કિંગ કમીટીની રચનાને લઈને ઘણો ધૂંધવાટ છે. ઉત્તર પ્રદેશમાં જે નેતાઓને વર્કિંગ કમીટીમાં સ્થાન અપાયુ છે તેમા અમુક નેતાઓ બહુ ખાસ જનાધાર ધરાવતા ન હોવાનો કચવાટ ફેલાયો છે.

જો કે સમગ્ર દેશની વાત કરીએ તો રાહુલ ગાંધીએ ખાસ યુવા ચહેરાઓને વધુ મહત્વ આપ્યુ છે અને દલિત, ઓબીસી અને બ્રાહ્મણ સમાજને વધુ વજન આપ્યાનું મનાય છે.(૨-૧૮)

(3:38 pm IST)