Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

અવિશ્વાસ પ્રસ્તાવને મોદી V/S રાહુલ બનાવવા તૈયારી

રાહુલે કર્યું 'હોમવર્ક' : કોંગ્રેસના નેતાઓ સંસદ અને સંસદ પરિસરમાં આક્રમકતા દર્શાવશે : ૪ વર્ષના કામકાજ ઉપર બોલશે રાહુલ : મોદી પ્રસ્તાવને મહત્વ નથી આપતા : પ્રસ્તાવનું સૂરસૂરીયું થશે એટલે વિપક્ષ પર આવશે દબાણ

નવી દિલ્હી તા. ૧૯ : સરકાર વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર તેલુગુદેશમ પાર્ટી દ્વારા આપવામાં આવેલી નોટીસ ભલે મંજુર થઇ ગઇ હોય પરંતુ કોંગ્રેસ પક્ષના પ્રયત્નો હવે તેના પાર્ટ-ટુને બનાવાના છે. પક્ષની લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અંગે તૈયાર કરવામાં આવેલી રણનીતિથી સ્પષ્ટ સંકેત છે કે, કોંગ્રેસ વિપક્ષના સૌથી મોટાદળ તથા રાષ્ટ્રીય રાજનૈતિક પક્ષની નજરથી તેનો દબદબો કાયમ રાખવા માંગે છે. તેના માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ મહત્વની તૈયારી કરી રહ્યા છે. પક્ષના

નેતા સદન અને સંસદ પરિસરમાં આક્રમકતા બનવાની તૈયારી કરી રહ્યા છે. એવામાં સરકાર વિરૂધ્ધ લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવને મોદી V/s રાહુલ થવાની પૂરી શકયતા છે.

વાકપટુ, રણનીતિ તૈયાર કરવામાં ચતુર, કોઇપણ વિપરીત પરિસ્થિતિને પક્ષમાં કરી લેવાની ક્ષમતામાં નિપૂણ, પ્રખર વકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને ખૂબ જ મહત્વ આપી રહ્યા નથી. કેન્દ્ર સરકારની પાસે પર્યાપ્ત સંખ્યાબળ છે. એકલા ભાજપાની પાસે જ બહુમત છે. એનડીએમાં સામેલ થયા બાદ લોકસભામાં સત્તા પક્ષની સંખ્યા ખૂબ જ મજબૂત છે.

ભાજપના એક કેન્દ્રીય મંત્રીનું કહેવું છે કે, સદનમાં પોતાની વાત રાખવા અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અથવા કોંગ્રેસના હાલના કોઇ નેતા સાથે વડાપ્રધાનની કોઇ સરખામણી કરી શકાય નહીં તેથી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને મત વિભાજન ભલે થાય. સત્તા પક્ષ આશ્વત છે કે અવિશ્વાસ પ્રસ્તાવ મંજુર થયા બાદ જ્યાં તે ધડામ થવાના છે, ત્યાં તે ધડામ થયા બાદ વિપક્ષ પર નૈતિક દબાણ વધશે.

કોંગ્રેસ પક્ષના રણનીતિકારોને આશા છે કે, લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને બોલવા પર તેની હુટીંગ થવાની પૂરેપુરી શકયતા છે. સત્તા પક્ષના સભ્ય ફકત વચ્ચે કટાક્ષ જ નહિ પરંતુ વ્યકિતગત હુમલા પણ કરશે. સદનમાં રાહુલ ગાંધીને બોલવા માટે ઉભા થવા પર વ્યવધાન નાખવાનું પણ નક્કી છે પરંતુ સૂત્ર જણાવે છે કે, કોંગ્રેસ અધ્યક્ષ તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પક્ષના લોકસભામાં એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે, તમે હવન કરશો અને ધુમાડો થાય નહિ, એ કેવી રીતે શકય છે ? તેને કેન્દ્રમાં રાખીને કોંગ્રેસ પક્ષના નેતા સહયોગીઓની સાથે તાલમેલ રાખીને સત્તા પક્ષની ધાર નબળી કરવાની તૈયારી કરી રહ્યા છે. એનસીપી, સપા, તૃણમૂલ સહિત અન્યની સાથે તે અંગે ચર્ચા ચાલુ છે.

અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભામાં બોલશે. તેના માટે સંપૂર્ણ તૈયારી ચાલી રહી છે. સત્તા પક્ષને તેનો અંદાજ છે. રાહુલ કયારે બોલાશે તે અંગે પણ પક્ષમાં મંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ શુક્રવારે શરૂ થનારી ચર્ચા દરમિયાન સદન જ બોલે કે એક દિવસ પહેલા સંસદ પરિસરમાં બોલે ?

સદનમાં રાહુલ ગાંધી બોલે તો કયાં સુધી પોતાનો પક્ષ રાખે તે અંગે પણ પક્ષના નેતા રણનીતિ બનાવી રહ્યા છે. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી પોતે રણનીતિનું મોનીટરીંગ કરી રહ્યા છે. ખુદ કોંગ્રેસ અધ્યક્ષ પણ કેન્દ્ર સરકારના કામકાજના ચાર વર્ષ બાદ મળેલા અવસરને ગુમાવવા નથી માંગતા તેથી મોદી સરકાર વિરૂધ્ધ લોકસભામાં જોરદાર હુમલો કરશે. યુપીએની મનમોહનસિંહ સરકાર અને એનડીએની મોદી સરકારની તુલના પણ કરી શકે છે.

અન્નાડીએમકે મોદી સાથે : ડીએમકે - બીજેડી વિપક્ષ સાથે : શિવસેના સરકારની સાથે

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનના એક દિવસ પહેલા જ રાજકીય ગરમાવો શરૂ થયો છે. તામિલનાડુના મુખ્યમંત્રી પલાની સમીએ કહ્યું કે, એઆઇએડીએમકે અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે નહિ. પક્ષનું માનવું છે કે, કાવેરી મુદ્દા પર કોઇએ સાથ આપ્યો નથી તેથી આ નિર્ણય લેવાયો છે. બીજી બાજુ ડીએમકે અને ઓડિશામાં સત્તારૂઢ બીજુ જનતા દળએ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કર્યું. રીપોર્ટસના જણાવ્યા મુજબ બીજેડીએ તેના સાંસદોને વ્હીપ જાહેર કરીને સંસદમાં હાજર રહેવાનું કહ્યું છે.

(3:34 pm IST)