Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

કાલથી દેશવ્યાપી ટ્રક હડતાલઃ ૧ કરોડ 'ખટારા'ના પૈડા થંભી જશે

ડીઝલમાં ભાવ વધારો-ટોલ ટેકસ નાબુદી સહિત મુખ્ય પાંચ માંગણીઃ કાલે ખાનગી ટ્રાવેલ્સ ઓપરેટરો પણ જોડાશે : રાજકોટ સહિત ગુજરાતભરમાં ૨૦ હજાર ટ્રાન્સપોર્ટ ઓફિસો આજ મધરાતથી બંધઃ રાજકોટના અગ્રણીઓ આજે વિવિધ ટ્રાન્સપોર્ટરોને ત્યાં જઈ સમજાવશે : હાલ દૂધ, શાકભાજી, જીવન જરૂરી ચીજવસ્તુઓ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીનને હડતાલમાંથી મુકિતઃ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફુડ પેકેટ લઈને જતા ટ્રકને નહીં રોકવા પણ સૂચના

રાજકોટ, તા. ૧૯ :. રાજકોટ સહિત દેશભરના ટ્રાન્સપોર્ટરો આંદોલનના માર્ગે ચડયા છે. ડીઝલમાં અસહ્ય ભાવ વધારો- દેશભરમાં ટોલ ટેકસ સંપૂર્ણ નાબુદી સહિત મુખ્ય પાંચ માંગણીઓ સાથે કાલે સવારે ૬ વાગ્યાથી ટ્રાન્સપોર્ટ હડતાલ જોડાશે. આ હડતાલને ખાનગી ટ્રાવેલ્સ ઓપરેટરોએ પણ ટેકો જાહેર કર્યો છે અને કાલે પ્રથમ દિવસે પોતાની બસો રાજકોટ-ગુજરાત કે દેશભરમાં નહીં દોડાવે.કાલે હડતાલથી દેશભરમાં ૧ કરોડ ખટારા-ટેમ્પાના પૈડા થંભી જશે. દૂધ, શાકભાજી, જીવન જરૂરી ચીજવસ્તુઓ તથા પેટ્રોલ, ડીઝલ, કેરોસીનને હાલ હડતાલમાંથી બાકાત રખાયા છે. આ વસ્તુઓના વહનને મુકિત અપાઈ છે, પરંતુ આગળ ઓલ ઈન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ એસો.ની સૂચના આવે તે પ્રમાણે કાર્યવાહી થશે. કાલે સવારે ૬ વાગ્યાથી ગુજરાતના તમામ હાઈવે સૂમસામ બની જશે. હાઈવેની બન્ને બાજુએ ટ્રકો થંભી જશે.

 

રાજકોટની ૯૦૦ સહિત ગુજરાતભરની ૨૦ હજારથી ટ્રાન્સપોર્ટ ઓફિસો આજ મધરાતથી બંધ કરી દેવાશે. રાજકોટ ટ્રાન્સપોર્ટ એસો.ના અગ્રણીઓ આજે સવારથી વિવિધ ટ્રાન્સપોર્ટરોને ત્યાં ગયા હતા અને હડતાલમાં જોડાવા અંગે ખાસ સમજાવટ કરી હતી.

આજે રાજકોટ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસો.ના ચેરમેન શ્રી હસુભાઈ ભગદે અને સેક્રેટરી શ્રી મીહીરભાઈએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, અમારી હડતાલથી હાલ લોકોને કોઇ તકલીફ પડે, સરકારને રોજની કરોડોની ટેક્ષની આવક ગુમાવવાનો વારો આવશે, તો ટ્રક માલીકોને પણ કરોડોની ભાડાની આવકની નુકશાની જશે, અમે જીવન જરૂરી ચીજવસ્તુઓ દૂધ-શાકભાજી-અનાજ-પેટ્રોલ-ડીઝલ-કેરોસીન સહિતના પેટ્રોલીયમ પદાર્થોનું આવા-ગમન ચાલૂ રાખવા દઇશું, તેમને નહી રોકવામાં આવે, બાકીનું તમામ પરીવહન ઠપ્પ કરી દેવાશે.

શ્રી હસુભાઇએ જણાવેલ કે કાલથી જ અમારા ત્રણ સ્થળે કન્ટ્રોલરૂમ અને બે સ્થળે છાવણી શરૂ થઇ જશે, જેમાં ૧ કન્ટ્રોલ રૂમ જલારામ ટ્રાન્સપોર્ટ- ભકિતનગરમાં, બીજો અટીકામાં રાજધાની રોડવેઝ ખાતે અને ત્રીજો સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ-એસટી વર્કશોપ પાછળ કિર્તીભાઇને ત્યાં શરૂ કરાશે, જયારે છાવણી કુવાડવા રોડ ઉપર સાત હનુમાન પછી નવો જે રીંગ રોડ છે ત્યાં એક છાવણી, અને બીજી છાવણી મેટોડામાં ગેઇટ નં. ૧ ખાતે ઉભી કરાશે.

તેમણે ઉમેર્યુ હતું કે ટ્રાન્સપોર્ટરો એટલા ત્રાહિમામ છે કે, અને હડતાલ એટલી સજ્જડ રહેેશે કે ૨૦ મી થી કોઇ ટ્રાન્સપોર્ટર પોતાનો ટ્રક કોઇપણ રાજય કે શહેરમાં હાઇવે ઉપર દોડાવાની હિંમત જ નહી કરે.

ડ્રાઇવર-કલીનરોના પગાર ભથ્થા અંગે તેમણે કહયું કે, જે રસ્તામાં હશે તેને ભથ્થું મળશે, વતનમાં પહોંચી જનારને ભથ્થુ નહી અપાય, જયારે ડ્રાઇવર-કલીનરોના પગાર ચાલૂં  રહેશે,  તેમનો  પગાર  નહી  કપાય. (૨-૪)

મુખ્ય માંગણીઓ

. ડીઝલની કિંમતોમાં ઘટાડો તેમજ દરેક રાજ્યમાં સમાન કિંમત અને રોજેરોજ ભાવ ફેરને બદલે ત્રિમાસિક ભાવ ફેર સમીક્ષા

. ટોલ બેરીયર ફ્રી ભારત

. થર્ડ પાર્ટી પ્રિમીયમમાં ઘટાડો તેમજ પારદર્શકતા અને ઈન્સ્યોરન્સ પોલીસી પર જીએસટી નાબુદ

. ટ્રાન્સપોર્ટના ભાડા ઉપર ટીડીએસ નાબુદી, ઈન્કમટેક્ષના અધિનિયમન ધારા ૪૪ એઈમાં અનુમાનીક આવકમાં તર્કસંગત ઘટાડો અને ઈ-વે બીલમાં પડતી તકલીફની સમીક્ષા

. બસો તેમજ ટુરીસ્ટ વાહનો માટે નેશનલ પરમીટ

 

(3:56 pm IST)
  • દેશના અર્થવ્યવસ્થા નજીકના ભવિષ્યમાં ચિંતાનો સામનો કરાવશે :ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ સચેત કરતા કહ્યું કે ક્રૂડતેલની વધતી કિંમત,વધતો ફુગાવો અને ચાલુ ખાતાની ખાદ્ય મુખ્ય ચિંતાનો વિષય છે access_time 12:55 am IST

  • 21મીએ જીએસટી કાઉન્સિલની બેઠક :સરકારની આવક ઘટે નહીં તેવી વસ્તુમાં ઘટાડશે દર :હેન્ડિક્રાફ્ટના 40 વસ્તુઓ,32 સર્વિસ અને 35 ચીજના દરમાં ઘટાડો થવાની ધારણા access_time 11:56 pm IST

  • દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST