Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ટીવી ચેનલ પર લાઇવ ચર્ચા વખતે મહિલા એડવોકેટને થપ્પડ મારનાર મૌલાનાની ધરપકડ

ચર્ચાનો મુદ્દો હતો ટ્રીપલ તલાક

નવી દિલ્હી તા. ૧૯ : ઝી હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ પર ગઈ કાલે એક લાઈવ ટીવી ચર્ચા દરમિયાન સુપ્રીમ કોર્ટનાં લોયર ફરાહ ફૈઝને થપ્પડ મારનાર એક મુસ્લિમ ધર્મગુરુની ધરપકડ કરવામાં આવી છે.

હુમલાખોર મૌલાનાને મુફતી ઈજાઝ અર્શદ કાસમી તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે.

એ બનાવ મંગળવારે સાંજે નોઈડામાં ચેનલની ઓફિસમાં બની હતી. ચર્ચાનો મુદ્દો હતો ટ્રિપલ તલાક પ્રથા. ચર્ચા દરમિયાન ભડકી જઈને મૌલાનાએ ફરાહ ફૈઝને થપ્પડ મારી દીધી હતી.

ફૈઝે ચર્ચામાં કહ્યું હતું કે ટ્રિપલ તલાક ટાઈપના છૂટાછેડાને કુરાન ધર્મગ્રંથ માન્ય રાખતો નથી. એને કારણે એમની અને મૌલાના કાસમી વચ્ચે દલીલબાજી શરૃ થઈ હતી અને એમાંથી મૌલાના ઝપાઝપી પર આવી ગયા હતા. મહિલા એન્કરે હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હતો અને કાસમીને રોકયા હતા, પરંતુ કાસમી અટકવાના મૂડમાં નહોતા.

બાદમાં, ન્યૂઝ ચેનલે ફરિયાદ નોંધાવ્યા બાદ ઝી મિડિયાની ઓફિસમાં આવીને પોલીસે મૌલાના કાસમીની ધરપકડ કરી હતી. ફરાહ ફૈઝ ટ્રિપલ તલાક પ્રથાના વિરોધી છે.

ન્યૂઝ ચેનલે એ બનાવને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વખોડી કાઢ્યો હતો. લેખિકા તથા સામાજિક કાર્યકર્તા અંબર ઝૈદી સાથે પણ કાસમીએ ગેરવર્તન કર્યું હોવાનો આરોપ મૂકાયો છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક પ્રથાને ગેરબંધારણીય ઘોષિત કરી છે.(૨૧.૬)

(11:39 am IST)