Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

રિટર્ન ફાઇલ કરવા કરદાતાઓની દોડધામ મચી : C.A. અતિ વ્યસ્ત

૩૧મી જુલાઇએ રિટર્ન ફાઇલ કરવાની આખરી મુદ્દત વધારવા માગણી

નવી દિલ્હી તા. ૧૯ : ચાલુ વર્ષથી ઇનકમ ટેકસ રિટર્ન ૩૧મી જૂલાઇ પહેલા સબમીટ ન કરનાર પાસેથી લેટ ફી વસૂલવામાં આવશે. સરકારની આ જાહેરાતને લઇને કરદાતાઓ દોડતા થઇ ગયા છે. હવે રિટર્ન ફાઇલ કરવાની મુદત પુરી થવાને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે કરદાતાઓનો ધસારો વધી જતાં ટેકસ પ્રેકિટશનર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અતિ વ્યસ્ત થઇ ગયા છે. જોકે રિટર્ન ફાઇલ કરવા માટેની મુદત ઓછી હોવાથી મુદત વધારી આપવા કરદાતાઓ અને ટેકસ પ્રેકિટશનર્સ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે. હજુ ઘણા કરદાતાને રિટર્ન ફાઇલ કરવાનું બાકી હોવાથી ડિપાર્ટમેન્ટ દ્વારા મુદત વધારાય તે હિતાવહ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

૩૧મી માર્ચ પહેલા રિટર્ન ફાઇલ કરવા ટેવાયેલા કરદાતાઓને વેહલું રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત બન્યું છે. ૧લી એપ્રિલથી ૩૧મી જૂલાઇ દરમિયાન રિટર્ન ફાઇલ ન કરનાર પાસેથી લેટ ફી વસૂલ કરવામાં આવશે તેવી જોગવાઇ છે. માટે કરદાતાઓ હવે રિટર્ન ફાઇલ કરવા દોડધામ કરી રહ્યા છે.

ટેકસ પ્રેકિટશનર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કરદાતાઓની માગણી છે કે રિટર્ન માટેના જરૂરી ફોર્મ ઇનકમ ટેકસની સાઇટ પર ૨૦મી મે સુધી તો ઉપલબ્ધ જ નહોતા. હવે આ ફોર્મ મૂકાયા બાદ ડિપાર્ટમેન્ટ દ્વારા વેબસાઇટ અપડેટ કરવામાં ઘણો સમય વેડફી દેવાયો છે. જેને પગલે કરદાતાઓને પોતાનું ઇનકમ ટેકસ રિટર્ન ફાઇલ કરવાનો પુરતો સમય મળ્યો નથી માટે રિટર્ન ફાઇલ કરવાની તેમની મુદત વધારવી જરૂરી હોવાનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જણાવી રહ્યા છે.(૨૧.૭)

(10:36 am IST)