Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

કેરળ : નવજાતે બચાવ્યો માતાનો જીવ

બ્રેઇન સર્જરી પછી થઇ ગયો હતો લકવો

તિરૂવનંતપુરમ તા. ૧૯ : કેરળમાં એક નવજાત શિશુ ચર્ચાનો વિષય બની ગયું છે. આ બાળકને કારણે તેની માની જીવનચર્યા ફરીથી સામાન્ય થઈ શકી. જણાવાઈ રહ્યું છે કે, બ્રેઈન ઈન્જરી પછી જયારે જાન્યુઆરી ૨૦૧૮માં બેટિનાને હોસ્પિટલમાં ભરતી કરાવાઈ હતી, ત્યારે બેટિનાના અડધા અંગ લકવાગ્રસ્ત હતા અને તે ત્રણ મહિનાની ગર્ભવતી હતી.

બેટિના બે મહિના સુધી વેન્ટિલેટર પર રહી અને તે પછી આઈસીયુમાં શિફટ કરવામાં આવી. ડોકટરને બાળકના સ્વાસ્થ્યને લઈને આશંકા હતી. તેઓ એ વાતથી ચિંતિત હતા કે બેટિનાને જીવિત રાખવા માટે જે દવાઓ આપવામાં આવી રહી છે તે તેના બાળક પર અવળી અસર કરી શકે છે. ડોકટરોએ તેને ચેતવણી પણ આપી હતી કે દવાઓને કારણે બાળકને બીમારી પણ થઈ શકે છે.

જોકે, ડોકટરોએ રાહ જોવાનું નક્કી કર્યું. ડોકટર એ સમયે આશ્યર્યમાં મૂકાઈ ગયા જયારે ગર્ભની અંદર બાળક કોઈ મુશ્કેલી વિના વિકસિત થતો રહ્યો. ૧૪ જૂને સર્જરી દ્વારા બાળકનો જન્મ થયો. આ દિવસે બાળકનું ભ્રૂણ ૩૭ સપ્તાહનું થઈ ગયું હતું. બાળકના પિતાએ તેનું નામ એલ્વિન રાખ્યું છે. એલ્વિનના જન્મ બાદ બેટિના કોમાની સ્થિતિમાંથી બહાર આવવા લાગી.

બેટિનાએ પોતાના બાળકને જોયો અને તેને પોતાના ખોળામાં લીધો. બીમારી શરૂ થયા બાદ એવું પહેલી વખત બન્યું હતું કે, જયારે બેટિનાએ પોતાની આંગળીઓ, આંખો અને શરીરને હલાવ્યું હોય. બાળકના જન્મ બાદ બેટિનાના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો અને ૧૦ દિવસ બાદ તેને રજા આપી દેવામાં આવી. ડોકટરોનું કહેવું છે કે, તેમની અપેક્ષા કરતા વધુ ઝડપથી બેટિના સાજી થઈ ગઈ. બેટિના અને તેના પતિના હવે કુલ બે બાળકો છે.(૨૧.૮)

(10:35 am IST)