Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

દેશમાં વર્ષ ૨૦૧૪ - ૧૬ સુધીમાં ૧,૧૦,૩૩૩ રેપ કેસ નોંધાયા

વિશ્વમાં મહિલાઓ સાથે સૌથી વધુ જાતીય હિંસા ભારતમાં : રીપોર્ટ

નવી દિલ્હી તા. ૧૯ : થોડા સમય પહેલા જ થોમસન રોયટર્સ ફાઉન્ડેશને વિશ્વમાં મહિલાઓની સુરક્ષાને લઇને એક સરવે જાહેર કર્યો હતો. આ સરવેમાં બહાર આવ્યું હતું કે વિશ્વમાં મહિલાઓ સાથે સૌથી વધુ જાતીય હિંસા ભારતમાં થાય છે. ત્યારબાદ હવે રાજયસભામાં યુનિયન મિનિસ્ટર કિરણ રિજિજુએ સ્વિકાર્યું કે વર્ષ ૨૦૧૪-૧૬ સુધીમાં ૧,૧૦,૩૩૩ બળાત્કારના કેસ નોંધાયા છે.

બુધવારે રાજયસભામાં યુનિયન મિનિસ્ટર અને ભાજપના મંત્રી કિરણ રિજિરૂએ લેખિત પ્રશ્નનો જવાબ આપ્યો હતો. પોતાના ભાષણ દરમિયાન દેશમાં મહિલાઓની સ્થિતિ અંગેનો રિપોર્ટ રજૂ કર્યો. આ રિપોર્ટમાં રિજિજુએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૪થી લઇને ૨૦૧૬ સુધીમાં સમગ્ર દેશમાં ૧,૧૦,૩૩૩ રેપ કેસ નોંધાયા છે. સાથે જ તેઓએ જણાવ્યું કે આ ત્રણેય વર્ષે એવરેજ ૩૫ હજાર રેપ કેસ નોંધાયા છે.

રિજિજુએ જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૬માં ૩૮,૯૪૭ રેપ કેસ નોંધાયા હતા. તો વર્ષ ૨૦૧૫માં ૩૪,૬૫૧ રેપ કેસ નોંધાયા છે. જયારે ૩૬,૭૩૫ રેપ કેસ વર્ષ ૨૦૧૪માં નોંધાયા છે. રિજિજુએ રાજયસભામાં વધુમાં જણાવતા કહ્યું કે વર્ષ ૨૦૧૬માં મહિલાઓ વિરુદ્ઘ ક્રાઇમના ૩,૩૮,૯૫૪ કેસ નોંધાયા હતા. તો ૨૦૧૫માં ૩,૨૯,૨૪૩, જયારે વર્ષ ૨૦૧૪માં ૩,૩૯,૪૫૭ કેસ નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ વિશ્વમાં મહિલાઓની સ્થિતિ અંગે થોમસન રોયટર્સ ફાઉન્ડેશને ગ્લોબલ એકસ્પર્ટ્સ સરવેમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આ ખુલાસામાં બહાર આવ્યું કે વિશ્વમાં મહિલાઓ સાથે સૌથી વધુ જાતીય હિંસા ભારતમાં થાય છે. આ સરવેમાં એવું પણ બહાર આવ્યું કે મહિલાઓને નોકરાણી બનાવવામાં ભારત સૌથી આગળ પડતો દેશ છે. થોમસન રોયટર્સ ફાઉન્ડેશન તરફથી મહિલાઓના મુદ્દે કામ કરતી ૫૫૦ મહિલા નિષ્ણાંતોની મદદથી કરવામાં આવ્યો હતો. સરવેમાં બહાર આવ્યું કે ભારત મહિલા સુરક્ષા મામલે યુદ્ઘગ્રસ્ત અફઘાનિસ્તાન અને સીરિયાથી પણ પાછળ છે.(૨૧.૬)

(10:28 am IST)