Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

હાશ... બેંકોમાં પડેલા તમારા પૈસા પર હવે જોખમ નથી

વિવાદાસ્પદ FRDI ખરડો પાછો ખેંચશે સરકાર

નવી દિલ્હી તા. ૧૯ : મોદી સરકારના વારંવારનાં આશ્વાસનો છતાં જનતામાં વ્યાપેલા ઉચાટ અને વ્યાપક ટીકા બાદ કેન્દ્રે બેન્કની થાપણોની સુરક્ષાના મુદ્દે રજૂ કરાયેલા વાંધાઓ સામે ઝૂકી જતાં ફાઇનાન્શિયલ રિઝોલ્યૂશન એન્ડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ (એફઆરડીઆઈ) ખરડો પડતો મૂકવાનો નિર્ણય લીધો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ૧૪મી જુલાઈએ સરકાર દ્વારા સંચાલિત વીમા કંપનીઓ અને બેન્કોનાં કર્મચારી સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરાયા પછી એફઆરડીઆઈ ખરડો ૨૦૧૭ પાછો ખેંચી લેવાનો નિર્ણય લેવાયો છે.

સરકારે આર્થિક બાબતોના વિભાગને કેબિનેટની મંજૂરી માટેનો ખરડો પાછો ખેંચવાનો પ્રસ્તાવ તૈયાર કરવાની સૂચના આપી દીધી છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટ દ્વારા ખરડો પાછો ખેંચવાના પ્રસ્તાવ પર ટૂંક સમયમાં મહોર મરાશે. સંસદમાં દરેક ખરડો પ્રધાનમંડળની મંજૂરીથી જ રજૂ થતો હોવાથી તેને પાછો ખેંચવા માટે પણ પ્રધાનમંડળની મંજૂરી જરૂરી બને છે.

આ ખરડો ઓગસ્ટ ૨૦૧૭માં સંસદમાં રજૂ કરાયા બાદ સંસદીય સંયુકત સમિતિને સોંપાયો હતો. સમિતિનો રિપોર્ટ ડિસેમ્બર મહિના સુધી આવવાની સંભાવના જોતાં સરકારને ભય હતો કે, આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં જનતામાં આ ખરડા મુદ્દે વ્યાપક નારાજગી ફેલાશે.

નાણાકીય ક્ષેત્રમાં નાદારી નોંધાવતી કંપનીઓની સમસ્યા ઉકેલવા ખરડો લવાયો હતો, તેથી જો કોઈ બેન્ક, નોનબેન્કિંગ ફાઇનાન્સ કંપની, વીમા કંપની, એસેટ મેનેજમેન્ટ દ્વારા સંચાલિત પેન્શન ફંડ અથવા મ્યુચ્યુઅલ ફંડ નિષ્ફળ જાય તો કાં તો તેને વેચી દેવામાં આવે, બીજી કંપની સાથે મર્જર કરાય અથવા તો બંધ કરી દેવામાં આવે. આવા મામલામાં સિસ્ટમ, અર્થતંત્ર, રોકાણકારો અને અન્ય લાભાર્થીઓને ઓછામાં ઓછું નુકસાન થાય તેનું ધ્યાન રાખવામાં આવે.

બેઇલ ઇન એવી જોગવાઈ છે જે અંતર્ગત સરકાર બ્રિટનની જેમ બચતકર્તા કે થાપણદારોનનાં હિતોનાં રક્ષણ માટે હસ્તક્ષેપ કરે. આ જોગવાઈ અંતર્ગત નાદારી નોંધાવનાર બેન્ક અથવા આર્થિક સંસ્થાનો બોજો કરદાતાઓ પર નહીં પરંતુ શેરહોલ્ડરો અને થાપણદારોના માથે નાખવામાં આવે છે. આ જોગવાઈ કંપનીના શેરધારકોના અધિકારો રદ કરવાનો અધિકાર આપે છે.

ખરડામાં રહેલી બેઇલ ઇન જોગવાઈ જનતામાં ભયનું કારણ બની હતી. આ જોગવાઈ એમ કહેતી હતી કે, જો બેન્ક નાદારી નોંધાવે તેવા કિસ્સામાં રિઝોલ્યૂશનના ખર્ચમાં થાપણદારો પર પણ બોજો નાખવામાં આવશે, જેને કારણે થાપણદારો પોતાની ડિપોઝિટ ગુમાવે તેવી પણ નોબત આવી શકે છે.(૨૧.૪)

(10:25 am IST)
  • બનાસકાંઠા, અંબાજી, મહેસાણા, પાટણમાં ધીમી ધારે સચરાચર વરસાદની શરૂઆત access_time 8:50 pm IST

  • સાબરકાંઠા: વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં ગોટાળાને લઈને ACBના દરોડા access_time 8:50 pm IST

  • આખરે અંબાજીમાં વરુણ દેવને રીઝવવાની પ્રાર્થના ફળી: 3 ઈંચ વરસાદ ખાબક્યો access_time 8:50 pm IST