Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

“ભાગ મિલ્ખા ભાગ” માટે મિલ્ખાએ ૧ રૂપિયો લીધો

મિલ્ખાસિંહના જીવન પરથી ફિલ્મ બની હતી : ૨૦૧૩માં રિલીઝ થયેલી રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મમાં મિલ્ખાનું પાત્ર ફરહાન અખ્તરે નિભાવ્યું હતું

મુંબઈ, તા.૧૯ : *ફ્લાઈંગ શીખ*ના નામથી જાણીતા દેશના ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહનું શુક્રવારે મોડી રાતે કોરોનાના કારણે નિધન થઈ ગયું. તેમની ઉંમર ૯૧ વર્ષ હતી. જોવા જઈએ તો, મિલ્ખા સિંહને કોઈ ઓળખાણની જરૂર નથી. યુવાન હોય કે વડીલ દરેક કોઈ તેમને ઓળખે છે.

મિલ્ખા સિંહના જીવન પરથી એક ફિલ્મ બની હતી. જેનું નામ હતું 'ભાગ મિલ્ખા ભાગ'. જુલાઈ ૨૦૧૩માં રિલીઝ થયેલી રાકેશ ઓમપ્રકાશ મહેરાની આ ફિલ્મમાં મિલ્ખા સિંહનું પાત્ર ફરહાન અખ્તરે નિભાવ્યું હતું. આઝાદ ભારત પહેલા કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીતનારા મિલ્ખા સિંહે પોતાની બાયોપિક માટે રાકેશ ઓમપ્રકાશ પાસેથી માત્ર એક રૂપિયો લીધો હતો અને તે પણ સિક્કો નહીં નોટ. આ નોટની ખાસિયત એ હતી કે તે ૧૯૫૮માં છપાઈ હતી. આ એ વર્ષ હતું જ્યારે મિલ્ખા સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

રાકેશ ઓમપ્રકાશ મહેરા પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ રાજીવ ટંડને ત્યારે જણાવ્યું હતું કે, 'અમે મિલ્ખાજીને ફિલ્મ દ્વારા તેમની કહાણીને બતાવવાની તક આપવા માટે કિંમતી ભેટ આપવા માગતા હતા. અમે ઘણા સમયથી કંઈક ખાસ આપવાનો વિચાર કરી રહ્યા હતા. બાદમાં તેમને ૧૯૫૮માં છપાયેલી એક રૂપિયાની નોટ તેમને ભેટમાં આપી હતી'.

મિલ્ખા સિંહનું નિધન થતાં ફરહાન અખ્તરે તેમના સાથેની થ્રોબેક તસવીર શેર કરીને શોક વ્યક્ત કર્યો છે. એક્ટરે લખ્યું છે કે પ્રિય મિલ્ખાજી, મારો એક ભાગ હજી પણ તે માનવાનો ઈનકાર કરી રહ્યો છે કે તમે હવે રહ્યા નથી. લગભગ આ જિદ્દી સાઈડ છે, જે મને તમારા તરફથી વારસામાં મળી છે. સાઈડ જે જ્યારે કોઈ વસ્તુ પર પોતાનું મન લગાવે છે, તો ક્યારેય હાર માનતી નથી. અને સત્ય એ છે કે તમે હંમેશા જીવિત રહેશો, કારણ કે તમે એક વિશાળ હૃદયવાળા, પ્રેમ કરનારા, હૂંફાળાથી ભરેલા સીધા વ્યક્તિ હતા. તમે એક વિચારનું પ્રતિનિધિત્વ કર્યું. તમે એક સપનાનું પ્રતિનિધિત્વ કર્યું. તમે પ્રતિનિધિત્વ કર્યું, કેવી રીતે કપરી મહેનત કરી પ્રામાણિકતા અને દ્રઢ સંકલ્પથી વ્યક્તિ પોતાના ઘૂંટણથી ઉભી થઈને આકાશને આંબી શકે છે. તમે અમારા તમામના જીવનને સ્પર્શ્યા છો. જે લોકો તમને એક પિતા અને મિત્ર તરીકે જાણે છે, તેમના માટે તમે આશીર્વાદ હતા. હું તેમને ખરા હૃદયથી પ્રેમ કરૃં છું.

(7:10 pm IST)