Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ઉત્તર કોરિયામાં કિલો કેળાંનો ભાવ ૩૩૦૦ રૂપિયા થયો

કિંમ જોંગે દેશ દુષ્કાળનો સામનો કરતો હોવાનું સ્વિકાર્યું : અનાજની અછતના કારણે ઉત્તર કોરિયામાં મોંઘવારી આસમાને નહીં અંતરિક્ષમાં પહોંચી : દેશની કફોડી સ્થિતિ

પ્યોંગયાંગ, તા.૧૯ :  અમેરિકા સહિત અન્ય કેટલાક દેશોને અવારનવાર બતાવી દેવાની ચીમકી આપતા ઉત્તર કોરિયાના ટોચના નેતા કિમ જોંગે તેમનો દેશ દુષ્કાળ એટલે કે અનાજના એક દાણાના પણ ફાંફા હોવાની સ્થિતિનો સામનો કરી રહ્યો હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. એક વિદેશી અંગ્રેજી ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ તાજેતરમાં જ એક બેઠકમાં કિમે સ્વીકાર કર્યો કે સ્થિતિ ખૂબ જ બદતર છે અને દિનપ્રતિદિન કફોડી બનતી જઈ રહી છે. અનાજની અછતના કારણે ઉત્તર કોરિયામાં મોંઘવારી આસમાને નહીં અંતરિક્ષમાં પહોંચી ચૂકી છે. એથી સામાન્ય લોકો માટે ખાણીપીણીની ચીજવસ્તુઓ કોઈ કાળે લઈ શકે નહીં તેવી હાલત બની ચૂકી છે. ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં બ્લેક ટીના એક નાના પેકેટની કિંમત ૭૦ ડોલર(લગભગ ૫,૧૬૭ રૂપિયા), કોફીના નાના પેકેટની કિંમત ૧૦૦ ડોલર(શ્૭૩૮૧) અને એક કિલો કેળાની કિંમત ૪૫ ડોલર(શ્૩૩૦૦) પર પહોંચી ચૂકી છે. યૂનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા તાજેતરમાં જ જણાવાયુ હતુ કે ઉત્તર કોરિયામાં ૮,૬૦,૦૦૦ ટન અનાજની અછત છે. એટલે કે દેશ પાસે માત્ર બે માસ ચાલે તેટલો જ અનાજનો ભંડાર પડ્યો છે. ઉત્તર કોરિયાની પ્રજાના પેટનો ખાડો પુરવા માટે આયાત અને ચીનથી મળતી મદદ પર આધાર રાખે છે.

રિડિયો ફ્રી એશિયાના એક રિપોર્ટમા દાવો કરાયો છે કે ઉત્તર કોરિયાના ખેડૂતોને ખાતર ઉત્પાદનના માટે દરરોજ બે લીટર યૂરીનનું યોગદાન કરવા કહેવામાં આવ્યુ છે. દેશમાં ચિંતાજનક પરિસ્થિતિ છતાયં કિમે કહ્યુ છે કે સરહદો બંધ રહેશે અને મહામારીના વિરુધ્ધ અમલી તમામ નીતિનિયમો યથાવત રહેશે. ઉત્તર કોરિયાએ કોરોના મહામારીને અટકાવવા માટે પોતાની સરહદો છેલ્લા ઘણા સમયથી સીલ કરી દીધી છે.

(7:04 pm IST)