Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

રાજ્યના ૭૭ જેટલા આઇએએસ અધિકારીઓની બદલીનો ઘાણવો નીકળ્યો

નવા કલેકટર અરૂણ બાબુઃ નવા મ્યુ. કમિશ્નર અમિત અરોરા

રાજકોટના કલેકટર રેમ્યા મોહન નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર તરીકે નિમાયાઃ મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલની મહેસાણા કલેકટર તરીકે બદલીઃ નવા જિલ્લા વિકાસ અધિકારી : તરીકે દેવ ચૌધરીઃ નવા મ્યુ. ડે. કમિશ્નર આશિષકુમારઃ પીજીવીસીએલના એમડી શ્વેતા તેઓટીયાની ડીડીઓ અરવલ્લી-મોડાસા ખાતે બદલીઃ નવા એમડી તરીકે ડી.બી. વ્યાસની નિમણૂંક : રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારોઃ ૧૬ જિલ્લા કલેકટરો, મ્યુ. કમિશ્નરો, ડીડીઓ સહિત ૭૭ અધિકારીઓની બદલીના હુકમોઃ જામનગર, આણંદ, સુરત, કચ્છ, દ્વારકા, જૂનાગઢ, અમરેલી, છોટા ઉદેપુર, પંચમહાલ, સુરેન્દ્રનગર, ભાવનગર સહિતના કલેકટરોની બદલીઃ અંજુ શર્માની રોજગાર વિભાગમાં બદલીઃ એસટી નિગમનો હવાલો હર્ષદકુમાર પટેલને

અમદાવાદ, તા. ૧૯ :. ગુજરાતમાં કોરોનાનો કહેર હળવો થતા અને આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આજે રાજયના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના કુલ ૭૭ આઈએએસ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. જેમાં ૧૬ કલેકટરો, મ્યુ. કમિશ્નરો, ડીડીઓનો સમાવેશ થાય છે. રાજકોટમાં કલેકટર અને મ્યુ. કમિશ્નરની પણ બદલી કરવામાં આવી છે. રાજકોટના નવા કલેકટર તરીકે અરૂણ બાબુની તથા નવા મ્યુ. કમિશ્નર તરીકે અમિત અરોરાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે રાજકોટ નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે દેવ ચૌધરી અને નવા મ્યુ. ડે. કમિશ્નર તરીકે આશિષકુમારની નિમણૂક કરવામાં આવી છે. એટલુ જ નહિ પીજીવીસીએલના નવા એમડી તરીકે ડી.બી. વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. જામનગર, કચ્છ, દ્વારકા, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર સહિતના કલેકટરોની બદલી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી અંજુ શર્મા, એસટી નિગમના એમડી એસ.જે. હૈદરની પણ બદલી કરવામાં આવી છે.

રાજ્યના વહીવટી તંત્રમાં લાંબા સમય બાદ ફેરફારો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત તંત્રને દોડતુ કરવા બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. રાજકોટના કલેકટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ કમિશનમાં બદલી કરવામાં આવી છે, જ્યારે મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલની મહેસાણા જિલ્લા કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે પીજીવીસીએલના એમડી શ્વેતા તેઓટીયાની અરવલ્લી-મોડાસાના ડીડીઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. પીજીવીસીએલના નવા એમડી તરીકે ડી.બી. વ્યાસ મુકવામાં આવ્યા છે. રાજકોટના નવા મ્યુ. ડે. કમિશ્નર તરીકે આશિષકુમારની નિમણૂક કરવામાં આવી છે.

રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો થયા તે હેઠળ આઈએએસ અંજુ શર્માને શિક્ષણમાંથી રોજગાર વિભાગમાં તો એસટી નિગમના એમડી હૈદરને શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. રોજગાર વિભાગના સચિવ હર્ષદ પટેલની પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં વાઈસ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

રૂપાણી સરકારે કરેલા ફેરફારો હેઠળ લાંબા સમયથી સુરત જિલ્લાના કલેકટર તરીકે રહેલા ધવલ પટેલને ગાંધીનગર મ્યુ. કમિશ્નર તરીકે નિમણૂક થઈ છે. નેશનલ હેલ્થ મિશનમાં ડાયરેકટર તરીકે ફરજ બજાવતા ૨૦૦૭ની બેચના અધિકારી એમ.એ. પંડયાને દેવભૂમિ દ્વારકાના કલેકટર બનાવાયા છે. આણંદના કલેકટર આર.જી. ગોહિલની ગીર સોમનાથમાં બદલી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના વિકાસ અધિકારી અરૂણ બાબુને રાજકોટના કલેકટર બનાવાયા છે. જામનગર કલેકટર રવિ શંકરને એસઓયુના વડા બનાવવામાં આવ્યા છે. જામનગરના કલેકટરને સરદાર સરોવર નિગમના ચેરમેન અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટદાર બનાવાયા છે. અમદાવાદના ડે. મ્યુ. કમિશ્નર દિલીપકુમાર રાણાને આદિજાતિ વિકાસ વિભાગના કમિશ્નર બનાવાયા છે. કચ્છ-ભૂજના કલેકટર પ્રવિણા ડી.કે.ની પંચમહાલ-ગોધરા કલેકટર તરીકે બદલી થઈ છે. જ્યારે દાહોદ કલેકટર વિજય ખરાડી જામનગર મ્યુ. કમિશ્નર તરીકે નિમાયા છે. પાટણના ડીડીઓ ડી.કે. પાંખેની વડોદરા મનપાના રીજીયોનલ કમિશ્નર તરીકે બદલી થઈ છે. દેવભૂમિ દ્વારકાના કલેકટર નરેન્દ્રકુમાર મીણાની અરવલ્લી મોડાસાના કલેકટર તરીકે બદલી થઈ છે. રાજકોટના ડે. મનપા કમિશ્નર પ્રજાપતિની આણંદના ડીડીઓ તરીકે બદલી થઈ છે. ગીર સોમનાથના કલેકટર અજય પ્રકાશની સ્વાસ્થ્ય અને શિક્ષણના ચીફ પર્સનલ ઓફિસર તરીકે નિમણૂક થઈ છે.

જૂનાગઢના કલેકટર ડો. પારઘીની જામનગરના કલેકટર તરીકે બદલી થઈ છે. જ્યારે અમરેલીના કલેકટર આયુષની સુરતના કલેકટર તરીકે બદલી થઈ છે. સુરેન્દ્રનગરના કલેકટર કે. રાજેશની ગૃહ વિભાગના સંયુકત સચિવ તરીકે બદલી થઈ છે. છોટા ઉદેપુરના કલેકટર મયાત્રાની કચ્છ-ભૂજના કલેકટર તરીકે બદલી થઈ છે. અરવલ્લી-મોડાસાના કલેકટર ઔરાંગાબાદકરની સુરેન્દ્રનગરના કલેકટર તરીકે બદલી થઈ છે. પંચમહાલ-ગોધરાના કલેકટર અમિત અરોરા રાજકોટના નવા મ્યુ. કમિશ્નર બન્યા છે. બોટાદના કલેકટર વિશાલ ગુપ્તાની અગ્રવિકાસ કમિશ્નર તરીકે નિમણૂક થઈ છે. ભાવનગરના કલેકટર મકવાણા અમરેલીના નવા કલેકટર બન્યા છે. જૂનાગઢ મ્યુ. કમિશ્નર સુમેરાની બોટાદ કલેકટર તરીકે બદલી થઈ છે. અમદાવાદના ડીડીઓ મહેશ બાબુ રાજકોટના નવા કલેકટર બન્યા છે. (૨-૨૬)

રાજકોટના કલેકટર સહિત તમામ ચારેય આઇએએસ ઓફીસર બદલાયાઃ રેમ્યા મોહન-ઉદિત અગ્રવાલ-સ્તુતિ ચારણ-અને શ્વેતા તેઓટીયાની બદલી

રાજકોટ તા. ૧૯ :.. રાજય સરકારે એક ઝાટકે ૭૭ આઇએએસ અધિકારીઓની બદલી કરી તેમાં રાજકોટના તમામ ચારેય આઇએએસ ઓફીસર બદલાયા છે, રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહન ગાંધીનગર ખાતે નેશનલ હેલ્થ મિશનમાં મૂકવામાં આવ્યા છે.

તો મ્યુ. કમીશનર શ્રી ઉદિત અગ્રવાલની બદલી કરી તેમને મહેસાણા કલેકટર તરીકે એપોઇન કરાયા છે.આ ઉપરાંત પીજીવીસીએલના એમ.ડી. શ્રી શ્વેતા તેઓટીયાને અરવલ્લી-મોડાસા જીલ્લામાં ડીડીઓ તરીકે નિમણુંક અપાઇ છે. તથા રાજકોટ પ્રાદેશીક મહાનગરપાલિકામાં રીજીયોનલ કમિશનર શ્રી સ્તુતી ચારણને છોટા ઉદેપુર કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે.

(3:24 pm IST)