Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

કોરોના મહામારી ચાવી ગઇ સામાન્ય માણસોની બચત

બીજી લહેરની નોકરિયાત લોકો પર ખરાબ અસરઃ રિપોર્ટ

નવી દિલ્હી, તા.૧૯: કોરોના મહામારી સામાન્ય માણસની બચત ચાવી ગઇ છે. બીજી લહેરમાં તેમને સૌથી વધુ અસર થઇ છે. નોકરી જવાથી અને ધંધો બંધ થવાથી સામાન્ય માણસની બચત ઝડપથી ઘટી છે. મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સીયલ સર્વીસીઝના રિપોર્ટમાં આવો દાવો કરાયો છે.

રિપોર્ટ અનુસાર, બીજી લહેર પછી સામાન્ય માણસની બચત ૮.૪ ટકા ઘટી છે. રિઝર્વ બેંકના માર્ચ બુલેટીન અનુસાર પણ ૨૦૨૦-૨૧ના પહેલા ત્રિમાસીકમાં ભારતીય પરિવારોની બચત જીડીપીના ૨૧ ટકા પર પહોંચી ગઇ હતી. બીજા ત્રિમાસિકમાં તે ૧૦.૪ ટકા પર આવી ગઇ હતી. આ દરમ્યાન પરિવારોનું કરજ વધીને જીડીપીના ૩૯.૧ ટકાએ પહોંચી ગયું હતું.

આવક ઘટવાથી બેંકોના જમા રકમ પર પણ અસર થઇ છે. ૨૧મે એ પુરા થયેલ પખવાડીયામાં બેંક જમાનો વૃધ્ધિ દર ૯.૭ ટકા રહયો, તો ૭મે એ પુરા થયેલ પખવાડીયામાં તે ૯.૯ ટકા હતો. એપ્રિલની શરૃઆતમાં બેંકોમાં જમા રકમમાં ઘટાડો નોંધાયો હતો જે આવક ઘટવાનો સંકેત છે.

ઔપચારિક ક્ષેત્રમાં કામ કરનારા નોકરીયાત લોકો પર બીજી લહેરની બહુ ખરાબ અસર થઇ. તેના લીધે પીએફમાંથી રેકોર્ડ નાણાં ઉપાડયા. કર્મચારી ભવિષ્ય નીધિ સંગઠનના આંકડાઓ જોઇએ તો ૩૧મે ૨૦૨૧ સુધીમાં ૭૬.૩૧ લાખ લોકોએ પીએફમાંથી ૧૮,૬૯૮.૧૫ કરોડ રૃપિયા ઉપાડયા. કેન્દ્રએ પણ બીજી લહેરને ધ્યાનમાં રાખીને પીએફમાંથી બીજી વાર એડવાન્સ ઉપાડવાની પરવાનગી આપી છે. બે મહિનામાં બેંકો અને એનબીએફસી દ્વારા મોટા પાયે સોનાની હરાજી થઇ. વીમા પોલીસીનું વેચાણ પણ અસરગ્રસ્ત થયું છે.

(1:20 pm IST)