Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ખાદ્યતેલ -દાળ-કઠોળના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ હેરાન-પરેશાન : કરવું શું ? ઉઠતા સવાલ

દાળ-કઠોળના ભાવ ૫ થી ૧૫ ટકા વધી ગયા

મુંબઈ, તા. ૧૮: કોરોના મહામારી વચ્ચે આ વર્ષે ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો થતાં આમઆદમીનું બજેટ ખોરવાઈ ગયું છે. એ સાથે દાળ-કઠોળના ભાવમાં પણ પાંચ ટકાથી માંડીને ૧૫ ટકાનો વધારો થતાં બેવડો માર પડયો છે.

છેલ્લા ૧૨ મહિનામાં સનફ્લાવર તેલના ભાવમાં ૫૦ ટકાથી વધુ વધારો જોવાયો છે જયારે રાઈના તેલ અને પામતેલના ભાવમાં પણ ઓછામાં ઓછા ૩૦ ટકાનો વધારો થયો છે. કોમોડિટીઝના વૈશ્વિક ભાવવધારા સહિતના કારણો આ માટે જવાબદાર છે. શીંગતેલના ભાવમાં નજીવો ૯ ટકા વધારો થયો છે.

જોકે દાળ - કઠોળમાં વધારા માટે સરકારે વધારેલા ટેકાના ભાવ, ડીઝલ-પેટ્રોલમાં વધેલા ભાવથી મોંઘું થયેલું ટ્રાન્સપોર્ટેશન, મજૂરી, જાળવણી ખર્ચમાં વધારો વગેરે કારણો જવાબદાર ગણાય છે.

ગત વર્ષે જૂનમાં તુવેરદાળના ભાવની સરખામણીએ આ વર્ષે જૂનના ભાવમાં ૧૫ ટકાનો વધારો થયો છે. અડદદાળમાં લગભગ ૪ ટકા, ચણાદાળમાં ૧૪ ટકા અને મસૂરદાળમાં ૧૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. આમ છતાં મગદાળનું ભાવનું વલણ રિવર્સમાં જોવાયું છે. એમાં લગભગ ૯ ટકાનો ભાવ દ્યટાડો થયો છે. વટાણામાં ભાવ લગભગ સ્થિર રહ્યા છે.

ઇંધણના ઊંચા ભાવ અને ક્રૂડના ઊંચા ભાવને કારણે મે મહિનામાં રિટેલ ફુગાવો ૬.૩ ટકાની છ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો.

હાલ અર્થતંત્ર ઘણું જ ધીમું પડી ગયું છે ત્યારે આ ભાવવધારો લોકોને ભારે પડી રહ્યો છે. લાખો લોકોની નોકરીઓ ગઈ છે. પગારમાં કાપ મુકાયો છે અને નોકરીમાં અનિશ્ચિતતાને કારણે લોકો મુશ્કેલીમાં સપડાયા છે ત્યારે આ બેવડો ભાવવધારો વધુ કઠણાઈ ઊભી કરી રહ્યો છે.

દરમિયાન આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે લોકડાઉનમાં છૂટ અપાઈ રહી છે અને દેશભરમાં સારા ચોમાસાની અપેક્ષાએ અનાજ-કઠોળ-દાળના ભાવમાં ઘટાડો થવાની શકયતા છે. ખરીફ સિઝનમાં વાવેતર વધશે અને સારા પાક-પાણી થશે તો આ વધારો કામચલાઉ નીવડી શકે છે.

બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ખાદ્યતેલોના વૈશ્વિક ભાવોમાં દ્યટાડાનું વલણ હાલ જોવાઈ રહ્યું છે અને આગામી જુલાઈ મહિના સુધીમાં ભાવ વધુ દ્યટી શકે છે અને આગામી ડિસેમ્બર સુધીમાં ભાવ વાજબી સપાટીએ આવી શકે છે, એમ સોલવન્ટ એકસ્ટ્રેકટર્સ એસોસિયેશનના એકિઝકયુટિવ ડિરેકટર બી. વી. મહેતાનું કહેવું છે.

(10:22 am IST)