Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ડોન દાઉદ ડરપોક હતો અને ગુનાઓની કબૂલાત કરી હતી

દાઉદની પુછપરછ કરનાર અધિકારીનો ઘટસ્ફોટ : પોતાના પુસ્તકમાં અનેક વિગતો આપી : દાઉદ અને કરીમ લાલા ગેંગ વચ્ચે ખૂની સંઘર્ષના દિવસોની યાદ તાજી કરી

નવી દિલ્હી, તા. ૧૯ : ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધી દાઉદ ઇબ્રાહિમની પુછપરછ કરી ચુકેલા ખાસ તપાસ ટીમના અધિકારીએ એક પુસ્તકમાં પોતાના અનેક મોટા ખુલાસા કર્યા છે. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, ડોન દાઉદ એક સામાન્ય દેખાવ ધરાવનાર ડરપોક વ્યક્તિ છે. આ શખ્સે કબૂલાત કરી હતી કે, તે અપરાધની દુનિયામાં સામેલ રહ્યો છે. ભારતીય અધિકારીના સુપરકોપ તરીકે લોકપ્રિય તથા પૂર્વ મહાનિર્દેશક બીવીકુમારે પોતાના પુસ્તકમાં આ અંગેનો ઘટસ્ફોટ કર્યો છે. કુમારે પોતાના નવા પુસ્તક ડીઆરઆઈ એન્ડ ડોન્સમાં આ અંગેનો ખુલાસો કર્યો છે. પુસ્તકમાં અધિકારીએ કહ્યું છે કે, અન્ડરવર્લ્ડના સંદર્ભમાં એક અપરાધી રાશિદ અરબાએ દાઉદના સ્થળો અંગે માહિતી આપી હતી. રાશિદે બોલીવુડના લોકપ્રિય અભિનેતા દિલીપકુમારની બહેન સાથે લગ્ન કર્યા હતા. બીવીકુમારે કહ્યું છે કે, અન્ડરવર્લ્ડના ડોન અને ખાસરીતે દાઉદ ઇબ્રાહિમ અને હાઝી મસ્તાન ઉપર પુસ્તક લખવાનો હેતુ દક્ષિણ એશિયાના સૌથી ખૂંખાર અપરાધીઓની સામે શરૂઆતી કઠોર કાર્યવાહીમાં ડીઆરઆઈની ભૂમિકાને રજૂ કરવાનો રહ્યો છે. કુમારે કહ્યું છે કે, ડીઆરઆઈએ દાઉદને કસ્ટડીમાં લઇ લીધો હતો અને તેની પુછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની સામે કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અધિકારીનું કહેવું છે કે, જ્યારે તેઓએ દાઉદની ધરપકડ કરી હતી ત્યારે જુલાઈ ૧૯૮૩માં ગુજરાતની હાઈકોર્ટમાં તેની તરત સુનાવણી માટે એક અપીલ દાખલ કરવામાં આવી હતી. ડોન તરફથી કોર્ટમાં રામ જેઠમલાણી ઉપસ્થિત થયા હતા. મોડેથી જામીન મળી ગયા બાદ અને દુબઇ ફરાર થઇ જનાર દાઉદ ડીઆરઆઈ દ્વારા અન્ય કાયદા હેઠળ પણ વોન્ટેડ તરીકે છે. આ મામલો બીવીકુમારે દાખલ કર્યો હતો. કુમાર એ વખતે આઈઆરએસના ટોપના અધિકારીઓ પૈકીના હતા. તેઓએ ડીઆરઆઈની સાથે માદક દ્રવ્યો ઉપર નિયંત્રણ મેળવવા કામનાર એનસીબીનું નેતૃત્વ પણ કર્યું છે. તેઓએ મુંબઈમાં અન્ડરવર્લ્ડની કુખ્યાત ટોળકીનો પર્દાફાશ કર્યો હતો. દાઉદ સાથે પોતાની અથડામણને યાદ કરતા કુમાર કહે છે કે, ૮૦ના દશકના મધ્યમાં અમદાવાદમાં તેઓ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તે વખતે દાઉદ અન ેકરીમ લાલાની ટોળકી વચ્ચે ખૂની સંઘર્ષના કારણે દહેશતની સ્થિતિ હતી જેના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડી હતી. કુમારે પોતાના પુસ્તકમાં કહ્યું છે કે, એક દિવસે પોરબંદરથી માર્ગ મારફતે મુંબઈ પરત ફરતી વેળા કારમાં પાછળની સીટ ઉપર બેઠેલા તેના સાથી દ્વારા ચલાવવામાં આવેલી ગોળી ભુલચુકથી દાઉદને વાગી ગઈ હતી.

આ શખ્સે નિશાનો ડી કંપનીના વિરોધ કરીમ લાલાના નજીકના સાથી આલમઝેબ ઉપર લગાવ્યો હતો પરંતુ ગોળી દાઉદને વાગી ગઈ હતી. પૂર્વ આઈઆરએસ અધિકારીએ પુસ્તકમાં કહ્યું છે કે, ગોળી દાઉદની ગરદનમાં વાગી હતી પરંતુ ઇજા નાનકડી હતી જેના કારણે દાઉદને વડોદરાના સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ અધિકારીઓએ ઘટનાની માહિતી તેમને આપી હતી. તેઓએ તરત જ વડોદરાના પોલીસ કમિશનર પીકે દત્તા સાથે વાત કરી હતી. કુમારે કહ્યું હતું કે, મોડેથી પુછપરછમાં દાઉદે કબૂલાત કરી હતી કે તે બે નંબરનો કારોબાર કરે છે. તે હિન્દીમાં વાત કરી રહ્યો હતો. દત્તાની ઓફિસમાં આશરે અડધા કલાક સુધી પુછપરછ થઇ હતી. દાઉદ એશિયાના સૌથી ખતરનાક ડોનમાં કેમ સામેલ થયો તે અંગે પૂછવામાં આવતા કુમારે કહ્યું હતું કે, રાજકીય ઇચ્છા શક્તિનો અભાવ આની પાછળ દેખાઈ આવે છે. દાઉદે તમામને પૈસાથી ખરીદી લીધા હતા. બોલીવુડ કલાકારોથી લઇને ક્રિકેટર અને કેટલાક મોટા રાજનેતાઓ પણ તેના પ્રભાવમાં હતા. ભારતના સંયુક્ત અરબ અમિરાતની સાથે પ્રત્યાર્પણ કરાર બાદ દાઉદ દુબઈથી ફરાર થઇ ગયો હતો અને પાકિસ્તાનમાં હંમેશ માટે સ્થાયી થઇ ગયો હતો.

(7:47 pm IST)