Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

પૂર્વ મિસ ઇન્ડિયા સાથે ખરાબ વર્તન : સાતની થયેલી ધરપકડ

સનસનાટીપૂર્ણ મામલો સપાટી ઉપર આવ્યો : કોલકાતા પોલીસ દ્વારા ઉંડી તપાસ જારી : મોડલની કારની ટક્કર મારી ડ્રાઇવર પર હુમલો : ૭ શખ્સો સામે કાર્યવાહી

કોલકાતા, તા. ૧૯  : કોલકાતામાં પૂર્વ મિસ ઇન્ડિયા યુનિવર્સ અને મોડલથી અભિનેત્રી બનેલી ઉશોષી સેનગુપ્તા સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી છે. એવો આક્ષેપ કરાયો છે કે, બાઇક ઉપર આવેલા ૧૦ યુવાનોએ પહેલા મોડલની કારને ટક્કર મારી દીધી હતી ત્યારબાદ તેના ડ્રાઇવર ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં જ્યારે તે પોતાના મિત્રના આવાસે પહોંચી ત્યારે ફરી એકવાર હુમલાખોરો પહોંચી ગયા હતા અને તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. આ મામલામાં કોલકાતા પોલીસે તમામ સાત આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

સેનગુપ્તાનો આક્ષેપ છે કે, કામથી તે ઘરે પરત ફરી રહી હતી ત્યારે કેટલાક શરારતી તત્વો જવાહરલાલ રોડ ક્રોસિંગની પાસે તેનો પીછો કરતા આવી ગયા હતા. મંગળવારના દિવસે પોલીસે કહ્યું હતું કે, આ મોડલ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. હવે સાતને પકડી પાડવામાં આવ્યા છે. સેનગુપ્તા દ્વારા પાડવામાં આવેલા ફોટા અને સીસીટીવી ફોટાના આધાર પર ધરપકડ કરવામાં આવી ચુકી છે. સેનગુપ્તાએ દાવો કર્યો છે કે, તે એપ આધારિત કેબ મારફતે સાથી સાથે ઘરે પરત ફરી રહી હતી તે વેળા બાઇક સવાર યુવાનોએ તેનો પીછો કર્યો હતો. પૂર્વ મિસ ઇન્ડિયા યુનિવર્સ ૨૦૧૦ની મોડલ ઉશોષી ફેસબુક પોસ્ટ મારફતે કહી ચુકી છે કે, ૧૮મી જૂન ૨૦૧૯ના દિવસે રાત્રે કોલકાતાના એક ફાઇવસ્ટાર હોટલથી કેબ બુક કરીને તે ઘરે પરત ફરી રહી હતી ત્યારે જ તેનો પીછો કરવામાં આવ્યો હતો. સેનગુપ્તાએ કહ્યું છે કે, ડ્રાઇવરને ગાડી રોકી દેવા માટે કહેવામાં આવ્યું હતું. ત્રણ બાઇક ઉપર આવેલા છ યુવકોએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. સેનગુપ્તા ૨૦૧૦માં મિસ ઇન્ડિયાનો તાજ જીતી ચુકી છે. ત્યારબાદ તે એ જ વર્ષે મિસ યુનિવર્સ ૨૦૧૦માં ભાગ લેવા માટે પણ પહોંચી હતી.

(7:46 pm IST)