Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

છેલ્લા કલાકમાં લેવાલી વચ્ચે સેંસેક્સમાં નોંધાયેલો સુધારો

સેંસેક્સ ૬૬ પોઇન્ટ સુધરી ૩૯૧૧૩ની સપાટીએ : તાતા સ્ટીલ, કોટક બેંક, એનટીપીસી સહિત મોટાભાગના શેરમાં તેજી : જેટ એરવેઝના શેરમાં ફરીવાર રેકોર્ડ ઘટાડો

મુંબઈ, તા. ૧૯ : શેરબજારમાં આજે ભારે અફડાતફડીનો માહોલ રહ્યો હતો. જો કે, કારોબારના અંતે છેલ્લા કલાકમાં લેવાલીના લીધે બેંચમાર્ક ઇન્ડેક્સ ઉછળીને બંધ રહ્યો હતો. બેંચમાર્ક સેંસેક્સ ૬૬ પોઇન્ટ ઉછળીને ૩૯૧૧૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૧૬૯૧ની સપાટીએ રહ્યો હતો. તાતા સ્ટીલ, કોટક બેંક, એનટીપીસી, એચડીએફસી અને પાવરગ્રીડના શેરમાં તેજી જામી હતી. નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં મિશ્ર સ્થિતિ રહી હતી. નિફ્ટી રિયાલીટીમાં ૧.૧ ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે નિફ્ટી ફાર્મા અને નિફ્ટી ઓટોમાં ૧.૬ અને ૧.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ ૧૦૦ પોઇન્ટ ઘટીને ૧૪૪૪૩ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૧૯૪ પોઇન્ટ ઘટીને ૧૩૯૧૯ની સપાટીએ રહ્યો હતો. જેટ એરવેઝના શેરમાં આજે પણ તીવ્ર કડાકો બોલી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં શરૂઆતી કારોબારમાં આ કડાકો નોંધાયો હતો. એસબીઆઈના નેતૃત્વમાં બેંકો દ્વારા ઇનસોલવન્સી અરજી દાખલ કરવામાં આવ્યાના એક દિવસ બાદ ઘટાડો જોવા મળ્યો હતો. આ શેરમાં દિવસના અંતે ૧૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં અફડાતફડીના દોર વચ્ચે જેટ એરવેઝના શેરમાં અવિરતપણે ઘટાડો જોવા મળી રહ્યો છે. નજીવા સુધારા સાથે આજે કારોબાર બંધ રહ્યો હતો. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગના શેરમાં પણ ૮.૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. હાલમાં તેના શેરમાં પણ તીવ્ર મંદી જોવા મળી રહી છે. પ્રવાહી સ્થિતિ અકબંધ રહેવાની શક્યતા છે. એસબીઆઈના નેતૃત્વમાં બેંકોના કન્સોર્ટિયમ દ્વારા ગઇકાલે જેટ એરવેઝની સામે ઇનસોલવન્સી કાર્યવાહી શરૂ કરવા નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં રજૂઆત કરી દેતા જેટ એરવેઝના શેરમાં ૪૧ ટકાનો મોટો કડાકો બોલી ગયો હતો. કટોકટીગ્રસ્ત એરલાઈન્સ સામે મુંબઈમાં નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ ખાતે ઇનસોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ (આઈબીસી)ની કલમ ૭ હેઠળ ઇનસોલવન્સી અરજી દાખલ કરી દેવામાં આવી હતી. મહિનાઓ સુધી મંત્રણા ચાલ્યા બાદ પણ કન્સોર્ટિયમ દ્વારા કોઇ નિકાલ ન આવતા એસબીઆઈએ અંતે તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. જેટ એરવેઝ ઉપર હાલમાં ૮૫૦૦ કરોડ રૂપિયાનું જંગી દેવું છે. આઈબીસીની બહાર જેટ એરવેઝના મામલાને ઉકેલવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ ઘણા કારણોસર નિકાલ આવ્યો ન હતો જેથી અંતે આઈબીસીની પ્રક્રિયાની અંદર ઉકેલ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેટ એરવેઝ દ્વારા તેની સેવા ૧૭મી એપ્રિલના દિવસથી બંધ કરવામાં આવી ચુકી છે. શેરબજારમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી મંદી ઉપર ગઇકાલે મંગળવારના દિવસે બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે સેંસેક્સ ફાઈનાન્સિયલ અને આઈટી શેરમાં તેજીના પરિણામ સ્વરુપે તેજી રહી હતી. બેંચમાર્ક સેંસેક્સ ૮૬ પોઇન્ટ ઉછળીને ૩૯૦૪૬ની સપાટીએ રહ્યો હતો. ગઇકાલે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં ૧૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૬૯૧ જોવા મળી હતી.

(7:45 pm IST)