Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ડ્રાઇવીંગ લાયસન્સ માટે ધોરણ-૮ પાસની લઘુત્તમ શૈક્ષણિક યોગ્યતાનું ધોરણ થશે નાબુદઃ કેન્દ્રીય પરિવહન મંત્રી ગડકરીનું ટ્વિટઃ અભણ બેરોજગારોને થશે ફાયદો

રાજકોટઃ કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા અભણ લોકોને પણ ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવામાં તકલીફ ન પડે તેવો નિર્ણય લેવાની તૈયારી ચાલી રહી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતીન ગડકરીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ડ્રાઇવીંગ લાયસન્સ માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત (ધોરણ-૮ પાસ) રદ્દ થશે તેવું જણાવ્યું છે. વર્તમાન નિયમ મુજબ ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા માંગતી વ્યકિતએ ઓછામાં ઓછુ ૮ ધોરણ પાસ કર્યુ હોવું જોઇએ છે. બસ, ટ્રક અને માલવાહક વાહનોના ચાલકો માટેની આ લાયકાતનું ધોરણ હટાવી લેવાશે. આ બારામાં ઇન્ચાર્જ આરટીઓ શ્રી લાઠીયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રીશ્રીએ આ મુદ્દે ટ્વિટ કર્યુ છે તે હકિકત છે. આવતા દિવસોમાં કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને સત્તાવાર નોટિફિકેશન મોકલાયા બાદ આ નિયમ લાગુ થઇ શકે છે. જો આ લાયકાતનું ધોરણ રદ્દ થશે તો ડ્રાઇવીંગ ક્ષેત્રે રોજગારી મેળવવા માંગતા અનેક અભણ લોકોને ફાયદો થઇ શકશે.

(3:26 pm IST)