Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ભારત સરકારનો યુ ટર્નઃ હવે પાકિસ્તાની ખેલાડીઓને પણ આપશે વીઝા

પુલવામા હુમલા પછી ખેલાડીઓને પણ વીઝા આપવાનું બંધ કર્યુ હતું

નવી દિલ્હી : ભારત સરકારે ગઇકાલે ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમીટી (આઇઓસી) ને લેખિત બાંહેધરી આપી હતી કે અમારી રાજકિય નીતિ અને સ્થિતિ ગમે તે હોય પણ અમે કોઇપણ પ્રકારના ભેદભાવ વગર ભારતમાં ભાગ લેવા આવતા અન્ય દેશના ખેલાડીઓ તથા તે અંગેના અધિકારીઓને પરવાનગી આપશું. સરકારની આ લેખિત ખાતરીમાં એમ પણ કહેવાયું છે કે અમે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વહેલા છીએ અને એવી જ ભાવના ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીની પણ ધરાવે છે.

પુલવામાં હૂમલા પછી દિલ્હીમાં આયોજીત શુટીંગ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે બે પાકિસ્તાની શૂટર અને તેના  કોચને વીઝા આપવાની ના પાડયા પછી આઓસીએ ભારતના આંતરરાષ્ટ્રીય રમતો યોજવાના હકક રદ કરી નાખ્યા હતાં. તે પહેલા ગયા વર્ષના નવેમ્બરમાં પણ ભારતે કોસોવો દેશને માન્યતા આપી ન હોવાથી એક મહિલા કોસોવન બોકસરને વીઝા આપવાની ના પાડી દીધી હતી.

પાકિસ્તાની ખેલાડીઓ પર પ્રતિબંધના કારણે ભારતે રપ મીટર રેપીડ ફાયર પિસ્તોલ ટુર્નામેન્ટ, એપ્રિલમાં જૂનીયર ડેવિસ કપ, અને ફેડરેશન કપ ટેનિસ ટુર્નામેન્ટ, જૂલાઇની જૂનીયર એશિયન રેસલીંગ ચેમ્પીયન શીપ અને મેડેલીન આર્ચરી વર્લ્ડ કપના પ્રથમ તબક્કાનું યજમાન પદ ગુમાવવું પડયું હતું.

આઇઓસી હવે સરકાર દ્વારા આપવામાં આવેલ બાંહેધરીનો અભ્યાસ કરીને પ્રતિબંધ ઉઠાવવાની કામગીરી આગામી સપ્તાહોમાં હાથ ધરશે. જો બધું સમુસૂતરૂ પાર ઉતરશે તો ભારત ટૂંક સમયમાં ટોકીયો ર૦ર૦ ઓલમ્પિક કવોલીફાયર સહિત ઘણી બધી રમતોના યજમાન પદે બિરાજી શકશે.

સરકારના નિર્ણયથી જૂલાઇ ૧૭ થી રર દરમ્યાન ઓરિસ્સામાં રમાનાર કોમન વેલ્થ ગેમ્સમાં પાકિસ્તાનની ટેબલ ટેનિસ ટીમ ભારત આવી શકશે. સરકારની છૂટછાટવાળી નીતિના કારણે પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ અને ભારતની મહિલા ક્રિકેટર ટીમ વચ્ચે જૂલાઇથી નવેમ્બર દરમ્યાન થનારી વન-ડે સીરીઝના સંજોગો પણ ઉજળા બન્યા છે. આ સીરીઝ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલની વિમેન્સ ચેમ્પીયન શીપના ભાગ રૂપે થવાની છે જેના આધારે ર૦ર૧ ના વીમેન્સ વર્લ્ડ કપમાં ભાગ લેવાની પાત્રતા નકકી થશે.

(3:23 pm IST)