Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

વાર્ષિક રિટર્નમાં ખરીદીની વિગતો આપવા GSTનો તઘલખી ફતવો

ઓટો જનરેટ સિસ્ટમ છતાં બાર બારની બે કરતું જીએસટી

મુંબઇ તા. ૧૯ :.. જીએસટીના વાર્ષિક રિટર્ન ભરવામાં વેપારીઓને નવનેજા પાણી આવે તેવી શકયતા છે. કારણ કે વેપારી દ્વારા વેચાણ કરવામાં આવેલી વસ્તુનો કોડ સાથેની ડેટા જીએસટીન રિટર્નમાં દર મહિને ભરતા જ હોય છે. જયારે વાર્ષિક રિટર્નમાં વેપારીઓએ ખરીદ કરેલી વસ્તુઓનો ડેટા માંગવામાં આવતા વેપારીઓની હાલત કફોડી બની છે.

જીએસટી લાગુ થયા બાદ સરળીકરણ કરવાની વાતો જ કરવામાં આવે છે. જયારે સરળીકરણ ફકત કાગળ પર જ થઇ રહ્યું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. કારણ કે જીએસટીના વાર્ષિક રિટર્નમાં વેપારીઓ પાસે ખરીદી કર્યાની વિગતો માંગવામાં આવી રહી છે. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે કે વેપારી જયારે અન્ય વેપારી પાસેથી માલની ખરીદી કરે ત્યારે સામેવાળા વેપારી જીએસટી રિટર્નમાં માલ વેચાણ કર્યાની તમામ બાબતોનો ઉલ્લેખ કરતો હોય છે. તેના ઉલ્લેખના આધારે જ માલ ખરીદી કરનારને ક્રેડિટ મળતી હોય છે. આ પરંપરા જીએસટી લાગુ થયા બાદથી ચાલતી આવે છે. જયારે વાર્ષિક રિટર્નમાં જીએસટી કાઉન્સિલે તઘલખી નિર્ણય કરીને વેપારીએ અત્યાર સુધી કરેલી ખરીદીની વિગતો પણ રજૂ કરવી પડશે. તેના કારણે વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે વેચાણ કર્યાની વિગતો વેપારી રિટર્નમાં ભરતા હોય ત્યારે ખરીદી કર્યાની વિગતો વેપારીઓ રાખતા હોતા નથી. તેમાં એક વેપારીએ વેચાણ કર્યુ અને બીજા વેપારીએ ખરીદ કર્યાની વિગતો જીએસટીની વેબ સાઇટ પર રિટર્ન ભરતી વખતે દર્શાવવામાં આવતી જ હોય છે. જયારે આ વિગતોનો ડેટા મેચ કરવાની તસ્દી લીધા વિના વાર્ષિક રિટર્નમાં ખરીદીની વિગતો માંગતો નિર્ણય કરતા વેપારીઓમાં કચવાટ શરૂ થયો છે.

આ અંગે ટેકસ કન્સલ્ટન્ટ પ્રશાંત શાહે જણાવ્યું હતું કે વાર્ષિક રિટર્નમાં મોટાભાગની વિગતો ઓટો જનરેટ કરવામાં આવી છે. તેમજ તેમાં સુધારા પણ થતા નથી. જેથી ખરીદીની વિગતો ઓટો જનરેટ કરવામાં આવી છે. તેમજ તેમાં સુધારા પણ થતા નથી. જેથી ખરીદીની વિગતો માંગવાને બદલે બે વેપારીઓ વચ્ચે થયેલા ખરીદ અને વેચાણના આંકડાની વિગતો સરખાવવામાં આવે તો આ સમસ્યા દૂર થાય તેમ છે. તેમજ વેપારીઓને પણ રાહત થાય તેમ છે.

(11:32 am IST)