Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ટ્રાફિકના નિયમોનો ભંગ હવે નાની યાદ કરાવી દેશે

વિદેશ જેવા આકરા નિયમો આવી રહ્યા છેઃ લાયસન્સ વગર વાહન ચલાવવાનો દંડ પ૦૦ને બદલે થશે પ૦૦૦: સીટ બેલ્ટ નહિ પહેરો તો ૧૦૦૦નો દંડઃ પીને ચલાવવા પર ૧૦,૦૦૦નો ફાઇનઃ રફ ડ્રાઇવીંગનો દંડ થશે પ૦૦૦ રૂપિયા

નવી દિલ્હી તા. ૧૯ :.. જો તમને જાણ થાય કે હવે ટ્રાફીક નિયમોના ઉલ્લંઘન પર ૧૦ ગણો દંડ થશે તો તમારા મગજમાં ટ્રાફીક નિયમો તોડવાનો વિચાર પણ આવશે? જવાબ હશે ના તો હવે તમારો આ ડર બહુ જલ્દી વાસ્તવિકતા બનવાનો છે.

મળેલા રિપોર્ટસ અનુસાર, સડક પરિવહન અને હાઇવે મંત્રાલય તરફથી મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ બિલને ટૂંક સમયમાં રાજયસભામાં રજૂ કરવામાં આવશે. આ બિલ દ્વારા સરકાર રોડ એકસીડન્ટ પર લગામ મુકવાની તૈયારીમાં છે. જો આ બિલ પસાર થઇ જશે તો જૂના નિયમોમાં મોટા ફેરફારો થશે.

ઇટી ઓટોના રિપોર્ટ અનુસાર લોકસભામાં પસાર કરાયેલું બિલ જ રાજય સભામાં મુકવામાં આવશે, જેમાં લાઇસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ માટે આધાર કાર્ડ ને ફરજીયાત બનાવી શકાય છે.

આ ઉપરાંત પર્યાવરણ સાથે વાહનોના ઓટોમેટેડ ફીટનેસ ટેસ્ટીંગ અંગે પણ ફેરફાર જોવા મળી શકે છે. આ રીપોર્ટ અનુસાર જો આ બિલ પાસ થઇ જશે તો દંડની મર્યાદા ૧ લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. જેને રાજય સરકારો તરફથી ૧૦ ગણી વધારી શકાશે.

નવા બિલમાં શું પગલા લેવાશે

*  ટ્રાફીક નિયમોના ભંગ પર થશે વધુ દંડ

*  અકસ્માત અથવા ટ્રાફીકના નિયમો જો સગીર વ્યકિત તોડશે તો તે વાહનના માલિક પર ક્રિમીનલ કેસ થઇ શકે.

*  કારના ખરાબ પાર્ટ ને ઠીક કરવા માટે કંપનીઓએ કાર પરત લેવી પડશે અને તેને પાછી આપવી પડશે.

*  ખરાબ કવોલીટી કારની જવાબદારી કંપનીઓની રહેશે.

બિલના મુખ્ય મુદાઓ

*  હીટ એન્ડ રન કેસમાં સરકાર તરફથી રપ૦૦૦ ને બદલે ર લાખનું વળતર

*  સગીર વયની વ્યકિત જો ટ્રાફિકના નિયમો તોડે અથવા અકસ્માત કરે તો કારના માલિક સામે ક્રિમીનલ કેસ જો કાર માલિક સાબીત કરી શકે કે તેની જાણકારી બહાર વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો તેને માફ કરી શકાશે. જયારે સગીર વયના ચાલક સામે જુવેનાઇલ જસ્ટીસ એકટ હેઠળ કેસ ચલાવાશે. સાથે જ વાહનનું રજીસ્ટ્રેશન કેન્સલ કરી દેવામાં આવશે.

*  દારૂ પીને વાહન ચલાવવા માટે ર૦૦૦ ને બદલે ૧૦,૦૦૦ નો દંડ

*  રેસ ડ્રાઇવીંગ માટે ૧૦૦૦ ની જગ્યાએ પ૦૦૦નો દંડ

*  ડ્રાઇવીંગ લાયસન્સ વગર વાહન ચલાવવાનો દંડ પ૦૦ની જગ્યાએ પ૦૦૦

*  જરૂરી સ્ટાન્ડર્ડ પુરા ન કરનાર કંપનીઓએ પ૦૦ કરોડ સુધીનો દંડ ભરવો પડી શકે છે.

(11:27 am IST)