Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

રેલ્વેના ખાનગીકરણની તૈયારીઃ પ્રાઈવેટ કંપનીઓ દોડાવશે ટ્રેનો

એરલાઈન્સની જેમ દેશમાં ટ્રેનો ચલાવવાની જવાબદારી પ્રાઈવેટ કંપનીઓને સોંપવા તૈયારીઃ શરૂઆતમાં શતાબ્દી અને રાજધાની જેવી પ્રિમીયમ ટ્રેનોથી થશેઃ યાત્રીકોને વધુ સુવિધાઓ મળશેઃ ડબ્બા અને એન્જીનની જવાબદારી રેલ્વેની રહેશે જ્યારે સ્ટાફ સહિતની સુવિધાઓ પ્રાઈવેટ કંપનીઓના હાથમાં રહેશેઃ રેલ્વે ટૂંક સમયમાં ટીકીટ પર સબસીડી છોડવાનું અભિયાન ચલાવશે

નવી દિલ્હી, તા. ૧૯ :. એરલાઈન્સની જેમ ભારતમાં ટ્રેનો ચલાવવાની જવાબદારી પણ પ્રાઈવેટ કંપનીઓને આપવાની તૈયારી થઈ રહી છે. સરકાર કેટલાક રૂટ પર પેસેન્જર ટ્રેનોના સંચાલનની જવાબદારી પ્રાઈવેટ કંપનીઓને આપવા ગંભીરતાથી વિચારી રહી છે. રેલ્વે બોર્ડના એક દસ્તાવેજથી જાણવા મળે છે કે સરકાર આવતા ૧૦૦ દિવસોમાં ઓછી ભીડભાડવાળા અને ટુરીસ્ટ રૂટો પર ટ્રેનો ચલાવવા માટે પ્રાઈવેટ કંપનીઓ પાસે બીડ માંગશે. શરૂઆતી અનુભવ પ્રાપ્ત કરવા માટે રેલ્વે પોતાની ટુરીઝમ અને ટીકીંગ આર્મ આઈઆરસીટીસીની બે ટ્રેનોનું સંચાલન પ્રાઈવેટ હાથોમાં સોંપી શકે છે જે હેઠળ ટીકીટ અને ટ્રેનોની અંદર સેવાઓ આપવાની જવાબદારી આઈઆરસીટીસીને સોંપાશે અને બદલામાં રેલ્વેને એક નિશ્ચીત રકમ મળશે.

આ ટ્રેનો મોટા મોટા શહેરોને જોડતા સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગો પર ચાલશે. રેલ્વે રેકોની જવાબદારી પણ આઈઆરસીટીસીને સોંપી દેવાશે. જે બદલામાં રેલ્વેની ફાઈનાન્સીયલ આર્મ આઈઆરએફસીને વાર્ષિક લીઝ ચાર્જ આપશે. તે પછી રેલ્વે પ્રાઈવેટ કંપનીઓને ઈચ્છા જાહેર કરવાની એક તક આપશે કે જેથી જાણી શકાશે કે કઈ કઈ કંપનીઓ દિવસ-રાત ચાલતી અને મહત્વના શહેરોને જોડતી પેસેન્જર ટ્રેનોનું સંચાલનનો અધિકાર મેળવવા આગળ આવી રહી છે. આ બાબત રેલ્વે બોર્ડના તમામ સભ્યો અને ટોચના ઓફિસરોને મળેલ બોર્ડના ચેરમેન વી.કે. યાદવના સંદેશમાં જણાવવામાં આવી છે. પત્રમાં જણાવાયુ છે કે રેલ્વે પ્રાઈવેટ કંપનીઓને આમંત્રણ આપતા પહેલા ટ્રેડ યુનિયનોનો સંપર્ક કરશે.

આ સિવાય રેલ્વે લોકો પાસે ટીકીટો પર સબસીડી છોડવાની અપીલ કરવાનું એક અભિયાન શરૂ કરશે. ટીકીટ ખરીદતી વખતે કે બુક કરતી વખતે યાત્રીકોને સબસીડી લેવા કે છોડવાનો વિકલ્પ અપાશે. રેલ્વે ટીકીટ પર સબસીડી છોડવાનું અભિયાન ઉજ્જવલા યોજનાની જેમ જ હશે. અત્રે એ નોંધનીય છે કે મોદીએ આર્થિક રીતે સક્ષમ લોકોને એલપીજી સબસીડી છોડવા અપીલ કરી હતી. બાદમાં લાખો લોકોએ સબસીડી છોડી હતી. રેલ્વેના જણાવ્યા પ્રમાણે અમને યાત્રી પરિવહન બીઝનેશની કોસ્ટના માત્ર ૫૩ ટકા જ યાત્રી પાસેથી મેળવાઈ છે.

૨૦૧૫માં અર્થશાસ્ત્રી બિબેક દેબરોયવાળી સમિતિએ રેલ્વેમાં ધરખમ ફેરફારો કરવા ભલામણ કરી હતી. જેમાં સંચાલનમાં પ્રાઈવેટ કંપનીઓને સામેલ કરવા અને રેલ્વે બજેટ સમાપ્ત કરવા સૂચન થયુ હતું. એક દાયકા પહેલા રાકેશ મોહન સમિતિએ પણ આવી જ ભલામણ કરી હતી. સરકારે રેલ્વે બજેટની પરંપરા સમાપ્ત કરી હતી પરંતુ પ્રાઈવેટ કંપનીઓના હાથમાં સોંપવાનો નિર્ણય લીધો હતો. હવે સરકાર શરૂઆતમાં સતાપ્તી અને રાજધાની જેવી પ્રિમીયમ ટ્રેનોની કમાન પ્રાઈવેટ હાથોમાં સોંપી શકે છે. રેલ્વેના આંશિક ખાનગીકરણ બાદ સરકારનો બોજો હળવો થશે અને યાત્રીને સારી સુવિધાઓ મળશે.

જો કે રેલ્વેના ડબ્બા અને એન્જીનની જવાબદારી રેલ્વેની હશે પરંતુ સ્ટાફ સહિતની સુવિધાઓની જવાબદારી ખાનગી કંપની પર હશે. આ કંપની નક્કી કરેલ ભાડાથી વધુ ભાડુ લઈ નહિ શકે. ખાનગી કંપનીઓની પસંદગી ટેન્ડર પ્રક્રિયાઓથી થશે.

(10:55 am IST)