Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

આઇડીયા અને વોડાફોન વચ્‍ચે‌ વિલીનીકરણઃ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની અસ્‍તિત્વમાં આવશે

નવી દિલ્હીઃ ટેલીકોમ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી મોટા મર્જરને આજે મંજૂરી મળી શકે છે. આઇડિયા સેલ્યુલર અને વોડાફોન ઇન્ડિયા આજે એકબીજામાં ભળી જશે. દૂરસંચાર વિભાગ (ડીઓટી) આજે બંનેના વિલયને મંજૂરી આપી શકે છે. સુત્રોના અનુસાર ડીઓટી બંને કંપનીઓના પ્રમુખોને આ અંગેનું જરૂરી સર્ટીફિકેટ આપી શકે છે. બંનેના મર્જર થવાથી રચાનાર નવી કંપની દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બનશે. ગ્રાહક સંખ્યાના આંકડા મુજબ પણ આ કંપની સૌથી મોટી બનશે. 

સુત્રોના અનુસારા વોડાફોન આઇડિયાના વિલય સાથે દૂરસંચાર ક્ષેત્રે આ કંપની નંબર વન બની જશે. DoTની મંજૂરી સાથે જ આ ઇતિહાસ રચાશે. બંને કંપનીઓના વિલય બાદ ગ્રાહકોની સાથે કમાણીમાં પણ આ નવી કંપની દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બની જશે. આ બંને કંપનીઓની સંયુક્ત કમાણી 23 અરબ ડોલર (1.5 લાખ કરોડ રૂપિયા ) કરતાં પણ વધુ છે. જેના 35 ટકા માર્કેટ પર કબ્જો રહેશે.

બ્રિટનના વોડાફોન ગ્રુપે ગત વર્ષે જાન્યુઆરી માસમાં કહ્યું હતું કે, એમની ભારતીય કંપનીને આદિત્ય બિરલા ગ્રુપના આઇડિયા સેલ્યૂલર સાથે વિલયની વાત ચાલી રહી છે. જે પૂર્ણ સોદો હશે અને જેના પરિણામે દેશની સૌથી મોટી દૂર સંચાર કંપની અસ્તિત્વમાં આવશે. જે રિલાયન્સ જિયોથી મળી રહેલા પડકારોનો સામનો કરવા માટે સક્ષમ બનશે. વિલય બાદ બનનારી નવી કંપની મોબાઇલ દૂરસંચાર ક્ષેત્રે એરટેલને પાછળ રાખતાં દેશમાં નંબર વન બનશે. 

દુનિયાની બીજી સૌથી મોટી મોબાઇલ નેટવર્ક ધરાવતા વોડાફોન દ્વારા ભારતીય બજારની દેશની ત્રીજા નંબરની દૂર સંચાર કંપની સાથે વિલય થતાં અમલમાં આવનાર નવી કંપનીના ગ્રાહકોની સંખ્યા 38.7 કરોડ હશે. જે દુનિયાની મોટી કંપનીઓ પૈકીની એક બનશે. ભારતમાં 2007માં પ્રવેશ સાથે જ વોડાફોન દેશની બીજા નંબરની ઓપરેટર કંપની બની હતી. જોકે આ દરમિયાન અનેક પડકારો અને સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો હતો.

(7:43 pm IST)