Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કાશ્મીર :પથ્થરબાજો સામે કડક કાર્યવાહીની તૈયારીઓ

પથ્થરબાજો ઉપર હવે ટુંક સમયમાં જ સકંજો :અમરનાથ યાત્રા પૂર્વે ત્રાસવાદી સામે મોટાપાયે ઓપરેશન હાથ ધરાશે :મોદીએ ૧૨ દિન પહેલા તૈયારી કરી હતી

શ્રીનગર, તા. ૧૯ :જમ્મુ કાશ્મીરમાં પીડીપી-ભાજપ ગઠબંધનનો અંત આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસનનો તખ્તૌ તૈયાર થઇ ગયો છે. દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં રાજ્યના ભવિષ્યને લઇને કેટલાક મોટા નિર્ણય લેવામાં આવી શકે છે. આતંકવાદીઓની સામે ઓપરેશન વધુ તીવ્ર કરવામાં આવશે અને સ્થાનિક કટ્ટરપંથીઓ તથા પથ્થરબાજો સામે જોરદાર કાર્યવાહીની તૈયારી કરવામાં આવી રહી છે. અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા ત્રાસવાદીઓ સામે કેટલાક મોટા ઓપરેશન હાથ ધરવામાં આવનાર છે. આના માટે સેનાની રાષ્ટ્રીય રાયફલ અને જમ્મુ કાશ્મીર પોલીસ દક્ષિણ કાશ્મીરના કેટલાક જિલ્લાઓમાં મોટાપાયે ઓપરેશન હાથ ધરી શકે છે. ઔરંગઝેબ અને પત્રકાર સુજાતની હત્યા બાદ મોટા ઓપરેશનની તૈયારી કરવામાં આવી રહી છે. આવનાર દિવસોમાં પેરા સ્પેશિયલ ફોર્સની સાથે ઓપરેશન કિલ ટોપ કમાન્ડર અને ઓપરેશન ઓલઆઉટ જેવા નવા નામ સાથે અન્ય ઓપરેશન પણ શરૂ થઇ શકે છે. દક્ષિણ કાશ્મીરમાં પથ્થરબાજો સામે પણ આક્રમક કાર્યવાહી કરવામાં આવશે. ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો ૨૦૧૬ની હિંસા દરમિયાન કાશ્મીરમાં સરકારના ગાળા દરમિયાન નવ હજારથી વધુ પથ્થરબાજો ઉપર કેસ થયા હતા. આ પૈકી પથ્થરબાજોમાં એક મોટી સંખ્યા એવા યુવકોની હતી જેમને દક્ષિણ કાશ્મીરમાં પકડી પાડવામાં આવ્યા હતા. ધરપકડ બાદ મહેબુબા મુફ્તી સરકારે સેકડો પથ્થરબાજો સામે કેસ પાછા ખેંચી લીધા હતા. તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. વિરોધ પક્ષોએ આની સામે વાંધો ઉઠાવ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ અને ગૃહસચિવ રાજીવ ગોબાની હાજરીમાં એક મહત્વપૂર્ણ બેઠક સુરક્ષાને લઇને યોજાઈ છે. જેમાં મોટા નિર્ણય કરવામાં આવી શકે છે. એવું પણ જાણવા મળ્યું છે કે, મહેબુબા સરકારને ટેકો પાછો ખેંચી લેવાના સંદર્ભમાં રણનીતિ ૧૨ દિવસ પહેલા જ બનવા લાગી ગઈ હતી. રાજનાથસિંહ આ ગાળા દરમિયાન જ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. રાજનાથસિંહે અમરનાથ યાત્રીઓની સુરક્ષાને લઇને સુરક્ષા સંસ્થાઓ પાસેથી રિપોર્ટ પણ માંગ્યા હતા. ભાજપના મંત્રીઓએ પણ મહેબુબા સરકારને લઇને પોતાના ફિડબેક આપ્યા હતા. રાજ્યની રણનીતિને જાણકાર લોકોનું કહેવું છે કે, મોદીએ રાજનાથસિંહને યોજનાપૂર્વક સ્થિતિની સમીક્ષા કરવા અને ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવા માટે મોકલ્યા હતા જેના ભાગરુપે રાજનાથસિંહે જમ્મુ, શ્રીનગર અને લડાખ ક્ષેત્રોમાં પાર્ટી નેતાઓ સાથે વાત કરી હતી. ત્યારબાદ રાજનાથસિંહે દિલ્હીમાં મોદીને રિપોર્ટ સોંપ્યો હતો જેના લીધે રાજ્ય એકમના લોકો સાથે વાતચીતના આધારે ટેકો પાછો ખેંચવાની કવાયત શરૂ થઇ હતી.

(7:31 pm IST)