Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ટેકો પરત ખેંચવાના કારણો

ત્રાસવાદી હિંસાઓ સતત વધી રહી હતી

       શ્રીનગર,તા. ૧૯ :જમ્મુ કાશ્મીરમાં વધતા જતાં ત્રાસવાદી હુમલા, પથ્થરબાજીની ઘટનાઓ અને સરહદ ઉપર અવિરત ગોળીબારના દોર વચ્ચે ભાજપે આજે પીડીપી સરકારને પોતાનું સમર્થન પરત લઇ લીધું હતું. આની સાથે જ રાજ્યના છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા ભાજપ અને પીડીપી વચ્ચેના ગઠબંધનનો અંત આવી ગયો હતો. મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીના નેતૃત્વમાં પીડીપી અને ભાજપ સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી હતી પરંતુ આજે ગઠબંધનનો અંત આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ રાજ્યપાલ એનએન વોરાને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ભાજપની કોર કમિટિની બેઠક યોજાઈ હતી જેમાં ભાજપના રાજ્યના લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. ભાજપના મહાસચિવ રામ માધવ, કેન્દ્રીયમંત્રી જીતેન્દ્રસિંહના મત લેવામાં આવ્યા હતા. ભાજપ પ્રમુખ અમિત શાહે જમ્મુ કાશ્મીરના તમામ નેતાઓના અભિપ્રાય લીધા બાદ ટેકો પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો. મહેબુબા મુફ્તી સરકારને ટેકો પાછો ખેંચી લેવા માટે ભાજપ તરફથી ૧૦ મોટા કારણો આપવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.

*    મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી જમ્મુ કાશ્મીરમાં સ્થિતિને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યા

*    રમઝાનના ગાળા દરમિયાન કેન્દ્ર સરકારે શાંતિ સ્થાપિત કરવા માટે રાજ્યમાં યુદ્ધવિરામનો નિર્ણય કર્યો હતો પરંતુ ત્રાવાદીઓ અને હુર્રિયત તરફથી સારો પ્રતિસાદ ન મળ્યો

*    ભાજપે રાજ્યમાં ત્રણ ક્ષેત્રોના વિકાસની વાત કરી હતી જેમાં જમ્મુ, લદાખ અને કાશ્મીર ક્ષેત્રનો એક સમાન વિકાસની બાબત સામેલ છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા જમ્મુ ક્ષેત્રની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે

*    જમ્મુ કાશ્મીરની વર્તમાન સ્થિતિના કારણે ભાજપ-પીડીપી વચ્ચે ગઠબંધનનો અંત આવ્યો છે

*    શ્રીનગરમાં એક મોટા પત્રકારની હત્યા થઇ હોવા છતાં સરકાર શાંત રહી હતી

*    રાજ્યમાં રાજ્યપાલ શાસનથી સ્થિતિમાં સુધારો થઇ શકે છે

*    જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હિંસા વધી ગઈ છે અને સ્થિતિ વણસી ગઈ છે

*    સ્થિતને સુધારવા માટે કેટલાક પગલા જરૂરી બન્યા હતા

(7:26 pm IST)