Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

સત્તા માટે સરકાર બનાવી ન હતી : મહેબુબા મુફ્તીનો મત

૧૧ હજાર યુવાનો સામે કેસ પરત ખેંચાયા :ગઠબંધનની રચના મોટા ઇરાદા સાથે થઇ હતીઃ મહેબુબા

શ્રીનગર, તા. ૧૯ :મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપી દીધા બાદ પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ પત્રકાર પરિષદ યોજીને પોતાની રજૂઆત કરી હતી. મહેબુબાએ કહ્યું હતું કે, મુફ્તી સાહેબે મોટા વિઝન સાથે ભાજપ સાથે ગઠબંધનની રચના કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ ભાજપના આ નિર્ણયથી ખુબ જ આશ્ચર્યચકિત છે. અમે સત્તામાં રહેવા માટે ગઠબંધન કર્યું ન હતું. આ ગઠબંધનના અનેક મોટા ઉદ્દેશ્યો હતા. યુદ્ધવિરામ, વડાપ્રધાનની પાકિસ્તાન યાત્રા, ૧૧ હજાર યુવાનોની સામે કેસ પરત ખેંચવામાં આવ્યા હતા. આ ગાળા દરમિયાન મુફ્તીએ કહ્યું હતું કે, તેઓ રાજ્યપાલને રાજીનામું સોંપી ચુક્યા છે. અમે અન્ય કોઇ ગઠબંધન તરફ વધી રહ્યા નથી. મુફ્તીએ કહ્યું હતું કે, બંને પાર્ટીઓને એક સાથે કામ કરવા માટે માહોલ બનાવવામાં ખુબ સમય લાગ્યો હતો. આ ગઠબંધનને મોટા ઇરાદા સાથે રચવાનો નિર્ણય થયો હતો. વડાપ્રધાનને દેશભરમાં જંગી સમર્થન મળ્યું હતું. આવી સ્થિતિમાં જમ્મુ કાશ્મીરના લોકો માટે ફાયદાકારક રહી શક્યો હોત. તેમણે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં કઠોર નીતિ ચાલી શકશે નહીં તે વાત દેખાઈ આવે છે. જમ્મુ કાશ્મીર દુશ્મનોના ક્ષેત્ર તરીકે નથી. જમ્મુ કાશ્મીર અને લડાખને સાથે રાખવાના પ્રયાસ થયા છે. તેમણે એણ પણ કહ્યું હતું કે, જે ઇરાદાથી ગઠબંધનની રચના થઇ હતી તે ઇરાદા પૂર્ણ થયા છે. અમારી સરકારે યુદ્ધવિરામને રોકવાનો નિર્ણય કર્યો હતો. સત્તા માટે સરકાર અમે બનાવી ન હતી. અમે એજન્ડા ઉપર ચાલી રહ્યા હતા. ભાજપ સરકારમાં આવ્યા બાદ જમ્મુ વિસ્તારમાં રહેતા મુસ્લિમો થોડીક મુશ્કેલી પણ અનુભવી રહ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં કુલ સીટોની સંખ્યા ૮૭ રહેલી છે. બહુમતિ માટેનો આંકડો ૪૪ રહેલો છે. હાલમાં પીડીપી પાસે ૨૮ અને ભાજપ પાસે ૨૫ સીટો છે. એનસી પાસે ૧૫ અને કોંગ્રેસ પાસે ૧૨ સીટો રહેલી છે. જુદા જુદા સમીકરણો હજુ પણ રહેલા છે.

(7:23 pm IST)