Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

દાઉદે દુબઇમાં લંબુને કહ્યું : 'લોકો બંગડી મોકલી રહ્યા છે' અને પછી...

લંબુએ કર્યા ચોંકાવનારા ખુલાસા

મુંબઇ તા. ૧૯ : તાજેતરમાં જ વલસાડથી પકડાયેલા દાઉદ ઈબ્રાહિમના નજીકના ઇસમ લંબુએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. લંબુએ એક એવા કિસ્સાનો ઉલ્લેખ કર્યો જયારે તે દુબઈમાં દાઉદ ઈબ્રાહિમને મળ્યો ત્યારે દાઉદે તેને કઈ રીતે આરડીએકસ સપ્લાય કરવા માટે મનાવ્યો હતો. દાઉદને ત્યાં ડિનર પાર્ટી યોજાઈ તેમાં લંબુ વારંવાર મોહમ્મદ ડોસાને સવાલ કરી રહ્યો હતો કે મુંબઈ રમખાણોમાં થયેલ મુસ્લિમોની હત્યાની ઉજવણી કરી રહ્યા છીએ કે પછી શોક?

ગુજરાત એન્ટી ટરરિસ્ટ સ્કવોડ (ATS)એ તાજેતરમાં જ વલસાડથી લંબુની ધરપકડ કરી લીધી છે. જેણે કહ્યું કે મુંબઈ રમખાણો બાદ જાન્યુઆરી ૧૯૯૩માં મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને મળવા માટે લંબુને દુબઈ લઈ જવામાં આવ્યો હતો. દુબઈ સ્થિત દાઉદના ઘર વ્હાઈટ હાઉસમાં તેને લઈ જવામાં આવ્યો હતો જયાં ડિનર પાર્ટીનું આયોજન કરાયું હતું. દાઉદે લંબુને બ્લાસ્ટ માટે આરડીએકસ અને અન્ય દારૂગોળાનું સ્મગલિંગ કરવાનો ટાસ્ક આપ્યો હતો. એટીએસ અધિકારીઓએ જણાવ્યું કે દાઉદે જાતે લંબુને આ કામ કરવા માટે મનાવ્યો હતો.

દરમિયાન દાઉદ ઈબ્રાહિમે લંબુને કહ્યું હતું કે 'લોકો બંગડીઓ મોકલી રહ્યા છે, આપણે કંઈક તો કરવું જ પડશે.' જણાવી દઈએ કે લંબુ છેલ્લા ૨૫ વર્ષથી ફરાર હતો અને ગયા મહિને સોનાની હેરાફેરી કરી રહ્યો હતો ત્યારે એટીએસના હાથે ઝડપાઈ ગયો હતો. લંબુએ સપ્લાય કરેલા આરડીએકસથી જ મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો અને આ બ્લાસ્ટમાં કુલ ૨૫૭ લોકો મૃત્યુ પામ્યા હતા.

ATSના સૂત્રોએ કહ્યું કે લંબુને સીબીઆઈના હવાલે કરવામાં આવ્યો તે પહેલાં કરેલ પૂછપરછમાં લંબુએ ખુલાસો કર્યો કે જાન્યુઆરી ૧૯૯૩માં તે દુબઈ પહોંચ્યો ત્યારે ડોસા તેને પોતાની કારમાં દાઉદના નિવાસ સ્થાને લઈ ગયો હતો. ડોસાએ લંબુને કહ્યું હતું કે, 'મુસ્લિમોની હત્યાનો બદલો લેવા માટે આપણી પાસે સારૃં ભોજન હોવું જોઈએ.' દાઉદનો જમણો હાથ જાવેદ ચિકનાએ આરડીએકસના લેન્ડિંગની ખાતરી કરી હતી. ઉલ્લેખનીય છે કે નવેમ્બર ૨૦૧૫માં ભરૂચમાં ભાજપના બે અગ્રણી નેતા શીરિષ બંગાળી અને પ્રજ્ઞેશ મિ સ્ત્રીના થયેલ ડબલ મર્ડરમાં જાવેદ ચિકનાની પણ સંડોવણી હતી.

(3:55 pm IST)