Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કેરળનો આ ફુટબોલ-ફેન ૪૦૦૦ કિલોમીટર સાઇકલ ચલાવીને રશિયા પહોંચ્યો

કોચી તા.૧૯: ફિફા વર્લ્ડ કપ માટે વિશ્વભરના ફુટબોલપ્રેમીઓ ક્રેઝી થઇ જાય છે. કેટલાક ટીવી સામે બેસી જાય તો કેટલાક લાઇવ-મેચ જોવા માટે રૂબરૂ પહોંચી જાય. જોકે કેરળના ચેરથલા શહેરમાં રહેતો ૨૮ વર્ષનો ફિલફિન ફ્રાન્સિસ ફુટબોલનો કલ્પનાતીત ક્રેઝી નીકળ્યો. રશિયા જઇને એક મેચ જોવા માટે થઇને તેણે ૪૦૦૦ કિલોમીટરનું સાઇકિલંગ કર્યુ છે. એ માટે તે સાડા ચાર મહિના પહેલાં કેરળનાં ઘરેથી નીકળી ગયો હતો. ફેબ્રુઆરીની ૨૩ તારીખે તે ફલાઇટમાં દુબઇ ગયો, ત્યાં જઇને તેણે સાઇકલ ખરીદી અને સાઇકિલંગ કરીને યુનાઇટેડ આરબ એમિરેટ્સ, ઇરાન, અઝરબૈજાન થઇને રશિયા પહોંચ્યો હતો. હાલમાં તે રશિયા પહોંચી ગયો છે અને મોસ્કોના રસ્તે આગળ વધી રહયો છે. આવું ક્રેઝી એડ્વેન્ચર કરવાનું કારણ શું? તો ભાઇનું કહેવું છે કે 'મને બાળપણથી જ ફુટબોલ ખૂબ ગમે છે. આર્જેન્ટિના મારી ફેવરીટ ટીમ છે. વર્લ્ડ કપની મેચ જોવાનું મારુ સપનું હતું. પણ એ પુરું કરવાનું બહુ મોંઘું હતું. હું ફ્રાન્સ અને ડેન્માર્કની એક મેચ જોઇશ, રશિયામાં થોડુંક ફરીશ અને સાઇકલ પર જ પાછો ઘરે જઇશ.'

(3:42 pm IST)