Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ભારતે માલદીવને ભણાવ્યો પાઠ : UNમાં વિરૂધ્ધમાં વોટીંગ કર્યું

નવી દિલ્હી તા. ૧૯ : સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અસ્થાયી સીટ માટે તાજેતરમાં થયેલી ચૂંટણીમાં ભારતે માલદીવ કે ઇન્ડોનેશિયા કોને મત આપ્યો હતો? હવે તેનો જવાબ મળી ગયો છે. માલદીવ સતત ભારતે સમર્થન કર્યાનો દાવો કરતું રહ્યું પરંતુ કહેવાય છે કે સરકારે તેની વિરૂદ્ઘ મત આપ્યો. ડિપ્લોમેટસના સૂત્રોએ અગ્રણી અખબારને જણાવ્યું કે ભારતે માત્ર ઇન્ડોનેશિયાના જ પક્ષમાં મત આપ્યો નહીં પરંતુ સુનિશ્ચિત પણ કર્યું કે હિંદ મહાસાગરમાં તેના પાડોશી માલદીવનું ચૂંટણીમાં પ્રદર્શન ફીક્કું રહ્યું.

આખરે એશિયા-પ્રશાંત સીટ માટે ઇન્ડોનેશિયાએ માલદીવને પાછળ છોડતા મોટા અંતરથી જીત નોંધાવી. ૮મી જૂનના રોજ થયેલ ચૂંટણીમાં માલદીવને માત્ર ૪૬ દેશોનું સમર્થન મળ્યું જયારે ઇન્ડોનિશેયાને ૧૪૪ દેશોનો સાથ મળ્યો. વિસ્તૃત માહિતી પરથી ખબર પડી છે કે ભારતે માત્ર માલદીવની વિરૂદ્ઘ વોટ જ આપ્યો નથી પરંતુ એ પણ સુનિશ્ચિત કર્યું કે નાના દ્વિપક્ષીય દેશોનો તેનો બેઝ પણ નબળો થઇ જાય. તેની અસર એ થઇ કે માલદીવની અંતિમ ટેલી તેની આશાથી પણ ઘણી નીચે રહી.

કેટલાંય દેશોએ માલદીવને માત્ર એટલા માટે વોટ નહોતો આપ્યો કારણ કે ભારતે ઇન્ડોનેશિયાને સમર્થન આપવાનો સંકેત આપ્યો હતો. જો કે એક સમયે માલદીવે દાવો કર્યો હતો તેને ૬૦ દેશોનું લેખિતમાં સમર્થન પ્રાપ્ત છે પરંતુ ૩૦થી વધુ દેશોએ મૌખિક રીતે વોટ આપવાની વાત કહી છે.

ભારતે પણ પહેલાં માલદીવને સમર્થન આપવાની વાત કહી હતી પરંતુ આ પગલું માલદીવના વિરૂદ્ઘ પહેલી દંજાત્મક કાર્યવાહી તરીકે જોવાઇ રહી છે. જો કે રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનના સમયમાં માલદીવ હિન્દ મહાસાગરમાં ભારતના સુરક્ષા હિતોની વિરૂદ્ઘ કામ કરી રહ્યું છે. માલદીવના કેટલાંક નિર્ણયથી ભારતને અસર થઇ છે. ભારત દ્વારા ગિફટ કરાયેલા બે હેલિકોપ્ટરને માલદીવે જૂનના અંતમાં પાછા લેવાનું કહ્યું છે. તેની સાથે જ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે ભારતીયો માટે વર્ક પરમિટ્સને રોકી દેવામાં આવે.(૨૧.૨૬)

(3:41 pm IST)