Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ભાજપે છૂટાછેડા લેતા મહેબુબા સરકાર ઘરભેગી

જમ્મુ-કાશ્મીરમાં ભાજપે પીડીપીને આપેલો ટેકો પાછો ખેંચ્યોઃ રાજ્યમાં રાજ્યપાલનું શાસન લાદવા ભાજપની માંગણીઃ સીઝફાયર સમાપ્ત કરવાના ફેંસલા બાદ ભાજપ-પીડીપી વચ્ચે શરૂ થયો હતો ડખ્ખો : મહેબુબા મુફતીએ આપ્યુ રાજીનામુઃ ગઠબંધન સરકાર તૂટીઃ ભાજપે ટેકો પાછો ખેંચી લેતો પત્ર રાજ્યપાલને પાઠવ્યોઃ તમામ મોરચે મહેબુબા નિષ્ફળ ગઈ હોવાનો આરોપ રાજ્યની વર્તમાન સ્થિતિ માટે

નવી દિલ્હી, તા. ૧૯ :. જમ્મુ-કાશ્મીરમાં ભાજપે પીડીપીને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે તે સાથે જ રાજ્યમાં ૩ વર્ષથી ચાલ્યુ આવતુ ભાજપ-પીડીપી ગઠબંધન સમાપ્ત થઈ ગયુ છે. રાજ્યની મહેબુબા મુફતી સરકાર લઘુમતીમાં આવી ગઈ છે અને મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ આજે બપોરે જ રાજીનામુ રાજ્યપાલને મોકલી આપ્યુ હતું, તે સાથે જ રાજ્યમાં ગઠબંધન સરકાર તૂટી છે. ભાજપે રાજ્યમાં રાજ્યપાલનું શાસન લાદવાની માગણી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજયમાં સીઝફાયર સમાપ્ત કરવાના ફેંસલા બાદ બન્ને પક્ષો વચ્ચે ડખ્ખો શરૂ થયો હતો.

આજે અહીં મળેલી ભાજપની કોર ગ્રુપની બેઠકમાં ટેકો પાછો ખેંચી લેવાનોે નિર્ણય લેવામા આવ્યો હતો. ભાજપના ચીફ અમિત શાહે જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે બેઠક યોજી હતી અને તે પછી ટેકો પાછો ખેંચી લેવા અંતિમ નિર્ણય લેવામા આવ્યો હતો. અત્રે એ નોંધનીય છે કે, રાઈઝીંગ કાશ્મીરના તંત્રી સુજાત ચૌધરીની હત્યા બાદ રાજ્યમાં બન્ને પક્ષો વચ્ચેના સંબંધો બગડયા હતા.

અગાઉના અહેવાલ મુજબ ભાજપના મહામંત્રી રામ માધવે આજે બપોરે એક પત્રકાર પરિષદ યોજી હતી અને તેમા પીડીપી સરકારને આપેલો

ટેકો પાછો ખેંચવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી અને કહ્યુ હતુ કે, ગઠબંધન આગળ ચાલે તે શકયતા નથી. તેમણે કહ્યુ હતુ કે રાજ્યમા ત્રાસવાદ વધી ગયો છે અને વર્તમાન પરિસ્થિતિને સંભાળવામાં મુખ્યમંત્રી નિષ્ફળ નિવડયા છે. ભાજપે રાજયમાં રાજ્યપાલ શાસનની માગણી કરી છે. રામ માધવે કહ્યુ હતુ કે, પીએમ મોદી અને ભાજપ ચીફ અમિત શાહની સહમતી બાદ આ ફેંસલો લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યુ હતુ કે ૩ વર્ષ સરકાર ચલાવ્યા બાદ અમે એ સહમતી પર પહોંચ્યા કે કાશ્મીરમાં જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેના પર નિયંત્રણ લાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે ઉપરાંત પીડીપીએ અડચણ નાખવાનું કામ કર્યુ. જવાબદારી નિભાવવામાં મહેબુબા મુફતી નિષ્ફળ રહ્યા. મહેબુબા કાશ્મીર ખીણમાં પરિસ્થિતિ સંભાળવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. પીડીપીએ વિકાસના કામોમા પણ અડચણ ઉભી કરી હતી. જમ્મુ અને લડાખની જનતા અનેક કામોમાં ભેદભાવ અનુભવતી હતી.

દરમિયાન આજે અમિત શાહે સવારથી બેઠકોના દોર ચલાવ્યા હતા. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ સાથે પણ એક બેઠક યોજી હતી. જે રીતે કાશ્મીર ખીણમાં અચાનક ઘટનાઓ બની તેનાથી રાજ્યની સ્થિતિ વધુ બગડી હતી. ભાજપને કહ્યુ હતુ કે, મોદી સરકારે રાજ્ય સરકારને તમામ મદદ કરી પરંતુ સ્થિતિ સુધરી ન હતી. હવે મહેબુબા મુફતી લઘુમતીમાં આવી જતા રાજીનામુ આપી દેતા રાજ્યમાં રાજ્યપાલનુ શાસન તોળાઈ રહ્યુ છે.

(5:24 pm IST)