Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

મંદી અકબંધ : સેંસેક્સમાં ૧૫૭ પોઇન્ટ સુધી ઘટાડો

સેંસેક્સ ઘટીને ૩૫૩૯૧ની નીચી સપાટીએ : શેરબજારમાં દિવસ દરમિયાન મંદી રહેવાના સ્પષ્ટ સંકેત

મુંબઇ,તા. ૧૯ : શેરબજારમાં આજે સવારે મંદી અકબંધ રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૫૮ પોઇન્ટ ઘટીને ૩૫૩૯૧ની નીચી સપાટી પર હતો. જ્યારે નિફ્ટી ૫૩ પોઇન્ટ ઘટીને ૧૦૭૪૬ની નીચી સપાટી પર રહ્યો હતો. દિવસ દરમિયાન મંદી રહેવાના સાફ સંકેતો દેખાઇ રહ્યા  છે. રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ (રાઇટ્સ) દ્વારા ૨૦મી જૂનના દિવસે આઈપીઓ લાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. ઓફરની પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર ૧૮૦થી ૧૮૫ રૂપિયા રાખવામાં આવી શકે છે. દર ૧૦ રૂપિયાના ફેસવેલ્યુ સાથે આની શરૂઆત થશે. ઓફરના અપર પ્રાઇઝ બેન્ડમાં કંપની ૪૬૬.૨ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ત્રણ દિવસની પબ્લિક ઓફરની પ્રક્રિયા ૨૨મી જૂનના દિવસે પુરી થશે. આ આઈપીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટના ભાગરુપે છે. સરકારી આઇપીઓને લઇને કારોબારીઓમાં ઉત્સુકતા દેખાઇ રહી છે. વિદેશી મૂડીરોકાણકારો મૂડી માર્કેટમાંથી ૫૫ અબજ રૂપિયા પાછા ખેંચી ચુક્યા છે. ટ્રેડવોરની સ્થિતિ, ઇસીબીની બેંક, બેંક ઓફ ઇંગ્લેન્ડની બેઠક, નવા આઈપીઓ જેવા પરિબળોની બજાર ઉપર અસર રહી શકે છે. ઓપેકની બેઠક ૨૨મી અને ૨૩મી જૂનના દિવસે મળનાર છે જેમાં પ્રોડક્શન સમજૂતિની સમીક્ષા કરવામાં આવી શકે છે. ઓપેક અને રશિયા સહિતના અન્ય નિકાસકારો સ્વૈચ્છિકરીતે ઉત્પાદનની મર્યાદા હળવી કરવા માટે ઇચ્છુક છે. બેંક ઓફ ઇંગ્લેન્ડની બેઠક ગુરુવારે મળશે જેમાં વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવશે. આ વખતે વ્યાજદર યથાવત રહે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બ્રાઝિલ,  મેક્સિકો, તાઈવાન, ફિલિપાઈન્સ, થાઇલેન્ડ જેવા દેશોના સેન્ટ્રલ બેંકની બેઠક પણ યોજાનાર છે.  નાણાંકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) માટેના દેશના જીડીપી ગ્રોથ રેટના આંકડા હાલમાં જારી કરવામાં આવ્યા હતા. જીડીપી ગ્રોથ રેટ ૭.૭ ટકા રહ્યો છે જે નોટબંધી બાદથી સૌથી ઉંચો દર છે. સરકારને આનાથી મોટી રાહત થઇ છે. ભારતે આ મામલામાં ચીનને પણ પછડાટ આપી દીધી છે.ચીનનો ગ્રોથ રેટ ૬.૮ ટકાનો રહ્યો છે. સંપર્ણ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો છે. છેલ્લા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટ ગ્રોથરેટ ૭.૨ ટકાથી સુધારીને ૭ ટકા કરવામાં આવ્યો  હતો. ગયા સપ્તાહમાં પોલીસી સમીક્ષા જારી કરવામાં આવી હતી. જેમાં વ્યાજદરમાં અથવા તો રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થઇ ગયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ એટલે કે સાડા ચાર વર્ષના ગાળામાં રિઝર્વ બેંક દ્વારા પ્રથમ વખત રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. રિવર્સ રેપોરેટ હવે વધારી દેવામાં આવ્યો હતો. જો કે, કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) અને એસએલઆરને ક્રમશઃ ૪ અને ૧૯.૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરાયો હતો.આ નાણાંકીય વર્ષની આ બીજી એમપીસીની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા હતી.જાન્યુઆરી ૨૦૧૪માં આરબીઆઈએ છેલ્લી વખતે રેપોરેટમાં વધારો કર્યો હતો અને તે વખતે રેટ આઠ ટકા હતો ત્યારબાદથી રેટને ઘટાડવામાં આવી રહ્યો હતો. ગઇકાલે સોમવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૭૪ પોઇન્ટ ઘટીને ૩૫૫૪૮ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૮ પોઇન્ટ ઘટીને ૧૦૭૯૯ની સપાટીએ બંધ રહ્યો હતો. શેરબજારમાં હાલમાં જંગી રોકાણ કરવા માટે કોઇ કારોબારી તૈયાર દેખાતા નથી.

(1:07 pm IST)