Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

અજગર સાથે સેલ્ફી લઇ રહ્યા હતા ફોરેસ્ટ ઓફિસર : અચાનક જ...

કોલકત્તા તા. ૧૯ : પશ્ચિમ બંગાળના એક ફોરેસ્ટ રેન્જરને રવિવારે સબક શીખવા મળ્યો હતો. કોલકાતાથી આશરે ૬૦૦ કિ.મી દૂર જલપાઈગુડીના સાહિબબારી ગામના નિવાસીઓએ એક બકરીને મારીને ખાઈ જનાર રોક પાયથોન પ્રજાતિના અજગરને પકડવાની વિનંતી કરી હતી. જેના જવાબમાં ફોરેસ્ટ રેન્જર તથા તેના સહયોગી પહોંચ્યાં હતાં. આ ઓફિસર્સે ૧૮ ફૂટ લાંબો અને આશરે ૪૦ કિલો વજનના અજગરને પકડ્યો હતો.

આવી ઘટનામાં સામાન્ય રીતે પકડાયેલા અજગરને તરત જ થેલામાં નાખીને ઘટનાસ્થળથી દૂર લઈ જવામાં આવે છે અને જંગલમાં છોડી દેવામાં આવે છે. જોકે, ફોરેસ્ટ રેન્જર પર સેલ્ફીનો ચસ્કો છવાઈ ગયો અને તેમણે ડાબા હાથેથી અજગરને પકડ્યો અને ગરદનથી લપેટી લીધો. જોકે, થોડી જ સેકન્ડોમાં અજગરે તેમની ગરદન ફરતે ભરડો લેવાની કોશિશ કરવા લાગ્યો.

આ પછી તેમની હાલત કફોડી થઈ ગઈ હતી. હાલાત કાબૂ બહાર જતાં જોઈ અજગર અને ઓફિસર વચ્ચે ચાલતા સંઘર્ષમાં વન વિભાગના એક કર્મચારીએ ઝંપલાવ્યું હતું. ફોરેસ્ટ ઓફિસરનો જીવ બચાવવા માટે મહેનત કરી હતી અને અજગરની પકડમાંથી છોડાવ્યાં હતાં.

આ ઘટના નજરે જોનાર વ્યકિતઓનું કહેવું હતું કે અજગરની હરકત જોઈને તેમનો જીવ તાળવે ચોંટી ગયો હતો. તેમનું માનવું હતું કે હવે ફોરેસ્ટ ઓફિસરનું બચવું એકદમ મુશ્કેલ છે. કેટલાક લોકોએ આ ઓફિસરને બહાદૂર ગણાવ્યો હતો તો કેટલાક લોકોએ તેના આ પગલાને બેવકૂફીભર્યું ગણાવ્યું હતું. વનમંત્રીએ આ ઘટનાની તપાસ કરવા આદેશ આપ્યો છે.

(11:33 am IST)