Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ઓડી કારના CEO અરેસ્ટ : સોફટવેરથી છૂપાવતા હતા પ્રદૂષણ

૬૦ હજાર કાર્સમાં છેડછાડ કરી હોવાનું કબૂલ્યું

લંડન તા. ૧૯ : જર્મનીની દિગ્ગજ કાર નિર્માતા કંપની ઓડીના CEO રૂપર્ટ સ્ટેડલરને બર્લિનમાં પોલીસે અરેસ્ટ કરી લીધા છે. સ્ટેડલરને ડીઝલ ગાડીઓની પ્રદૂષણ પરીક્ષણ સિસ્ટમમાં ઘોટાળો કરવા બાબતે અરેસ્ટ કરવામાં આવ્યા છે. ઓડીની પેરેન્ટ કંપની ફોકસવેલનના પ્રવકતાએ જણાવ્યું કે, સ્ટેડલરને સોમવારે અરેસ્ટ કરવામાં આવ્યા અને કોર્ટમાં પેશી કરાયા બાદ પૂછપરછ માટે તેમને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પેરેન્ટ કંપની ફોકસવેગન પોતાની ડીઝલ ગાડીઓના પ્રદૂષણ સ્તરને છૂપાવવા માટે સોફટવેરના ઉપયોગની દોષી નોંધાઈ હતી અને હવે ઓડી પર પણ છેતરપિંડીનો નવો કેસ બની રહ્યો છે.

ગત મહિને ઓડીના CEO સ્ટેડલરે કબૂલ્યું હતું કે, ઓડી A6 અને A7 મોડલની ૬૦ હજાર કારોના પ્રદૂષણ સ્તરને છૂપાવવા માટે સોફટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, આ ૬૦ હજાર ગાડીઓ તે ૮ લાખ ૫૦ હજાર ગાડીઓથી અલગ છે જેને કંપનીએ ૨૦૧૭ દરમિયાન પ્રદૂષણ સોફટવેરમાં ફેરફાર માટે રિકોલ કરી હતી.

ડીઝલ ગાડીઓના સોફટવેરમાં ફેરફાર કરી પ્રદૂષણ છૂપાવવાનો ખુલાસો પહેલીવાર સપ્ટેમ્બર ૨૦૧૫માં થયો હતો. જયારબાદ લાંબી કાયદાકીય પ્રક્રિયા દરમિયાન ફોકસવેગન એ વાતને માની હતી કે, તેણે પોતાની ૬ લાખ કાર્સમાં સોફટવેરની મદદથી પ્રદૂષણના સ્તરને છૂપાવવાના પ્રયત્ન કર્યા છે.

(11:32 am IST)