Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

બુર્જ ખલિફા પરથી કુદરતી સૌંદર્ય નહીં દેખાતા પર્યટકની ગ્રાહક પંચમાં ફરિયાદ

રિફંડના વિકલ્પનો ઉપયોગ કેમ ન કર્યો ? પંચે આ ફરિયાદ ફગાવી દેતા નાશિકના પ્રવાસી જીજ્ઞેશ ઠાકુરને નિરાશા

મુંબઇ તા. ૧૯ : દુબઈમાં સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલિફાના ૧૨૪મા માળેથી નૈસર્ગિક સૌંદર્ય જોવા ગયેલા નાશિકના પર્યટકને નિશારા સાંપડી હતી, આને લીધે તેણે ગ્રાહક પંચમાં ધા નાખી હતી, પરંતુ અહીં પણ પર્યટકની અરજી ફગાવતાં તેને ઊંચાઈ પરથી નૈસર્ગિક સૌંર્દર્ય જોવાનું સપનું ચૂર થઈ ગયું છે.

નાશિકના હનુમાન નગર ખાતે રહેતા જિગ્નેશ ઠાકુરે મુંબઈની પરેલ ખાતેની કંપની સામે ફરિયાદ કરી હતી. કન્ઝયુમર કોર્ટે બંને બાજુ સાંભળ્યા બાદ આ અરજી ફગાવી હતી. ઠાકુરે કરેલી ફરિયાદમાં જણાવાયું હતું કે કંપનીની વેેબસાઈટ પર બુર્જ ખલિફા ઈમારત પરથી દ્રષ્ય જોવાનું બુકિંગ કરાયું હતું. દુબઈની યાત્રામાં આ માટે રૂ. ૬,૯૨૨ અપાયા હતા. બુકિંગમાં સાંજે પાંચ વાગ્યાનો સમય અપાયો હતો. પણ આ સમય પછી સાડા છનો કરવામાં આવ્યો હતો.

એ સમયે સૂર્યપ્રકાશ ન હોવાથી ત્યાંથી કુદરતી સૌંદર્ય દેખાયું નહોતું. આથી કંપનીએ ફરી આવો પ્રવાસ કરાવવો અથવા રૂ.૧.૨૦ લાખની નુકસાન ભરપાઈ આપવી તેમ જ શારીરિક અને માનસિક ત્રાસ બદલ રૂ. એક લાખ ચૂકવવા એમ ફરિયાદમાં જણાવ્યું હતું.

બંને બાજુ સાંભળ્યા બાદ કોર્ટેે નોંધ કરી હતી કે ફરિયાદી પાસે પૈસા પાછા માગવાનો વિકલ્પ ઉપલબ્ધ હતો એ તેમણે વાપર્યો નથી. આથી સેવા આપવામાં ઉણપ કરી હોવાનું કહી શકાય નહીં. આથી અરજી ફગાવાય છે.

કંપનીએ જવાબદારીનો અસ્વીકાર કરીને જણાવ્યું હતું કે અમારી ઈન્ટમિડિયરી સુવિધા પૂરી પાડવાની સંસ્થા છે. દુબઈમાં સૌથી ઊંચી ઈમારત પર જઈને શહેર જોવાનું વ્યવસ્થાપન કરતી સંસ્થા છે. ઠાકુરે બુકિંગ આ સંસ્થા પાસે કરાવ્યું હતું. સંસ્થાની શરતાનુસાર મુલાકાતનો સમય ગમે ત્યારે બદલાઈ શકે છે સમય માન્ય ન હોય તો પૈસા પાછા આપવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. આથી આમાં મૂળમાં અમે જવાબદાર ઠરી શકીએ નહીં.(૨૧.૯)

(10:49 am IST)