Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

સમાજના દરેક વર્ગમાં દહેજનું દૂષણ : સુપ્રીમ

'આર્થિક રીતે સધ્ધર લોકોને દહેજની લાલચ ન હોય એવો કોઇ નિયમ નથી'

નવી દિલ્હી તા. ૧૯ : દહેજની માગણી નહીં સંતોષવા બદલ ૨૩ વર્ષની પત્નીને ત્રાસ આપવાના આરોપસર એક પુરૂષ અને તેના પરિવારને તકસીરવાર ઠરાવતી વખતે દિલ્હીની કોર્ટે એવો અભિપ્રાય વ્યકત કર્યો હતો કે સમાજના શ્રીમંત વર્ગ સહિત બધા વર્ગના લોકો દહેજના દૂષણનો શિકાર બન્યા છે.

પતિએ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે મારો પરિવાર મારી પત્નીના પિયરિયા કરતાં શ્રીમંત હોવાથી તેની પાસેના દહેજની જરૂર નથી. તેના દાવાને ફગાવી દેતાં કોર્ટે ઉકત નિરીક્ષણ કર્યું હતું.

એડિશનલ સેશન્સ જજ સુનયના શર્માએ નોંધ્યું હતું કે દહેજનો ભોગ બનેલી વ્યકિત લકઝરી કાર લાવી હોવા છતાં આરોપીના પરિવારે મોટી કાર ખરીદી હતી. તેમણે જણાવ્યું કે 'આર્થિક રીતે સદ્ઘર લોકોને દહેજની લાલચ ન હોય એવો કોઈ નિયમ નથી.'

મૃતક લગ્નમાં ઓપ્ટ્રા કાર લાવી હોવા છતાં આરોપીએ સ્કોડા કાર ખરીદી એ હકૂકત પરથી ફરિયાદી પક્ષની દલીલને સમર્થન મળે છે કે આરોપીના પરિવારના સભ્યોને લગ્નમાં પુત્રીને આપવામાં આવેલી કારની બ્રાન્ડ-ગુણવત્તાથી સંતોષ ન હતો અને તેમની સ્કોડા કારની માગણી મૃતકના પરિવારે પૂરી નહીં કરતાં તેનાં સાસરિયાએ સેકન્ડ હેન્ડ સ્કવોડા કાર ખરીદી હતી.

કોર્ટે એવી નોંધ કરી હતી કે પતિ અને સાસુ-સસરા અને જેઠ કે દિયરના માનસિક ત્રાસથી ત્રસ્ત થયેલી યુવતીએ સીલિંગ ફેન પર લટકીને આત્મહત્યા કરી હતી.

મહિલાના શરીર પર ઈજાની કોઈ નિશાની જણાતી નથી એના પરથી તેનું મોત થતાં પહેલાં તેના પર ક્રૂરતા આચરવામાં આવી હોવાની શકયતા નકારી શકાય નહીં.  પોસ્ટમોર્ટમના સમયે મૃતકના શરીર પર ઈજાના નિશાન ન હતા. તે હકીકત પરથી તેના પર ક્રૂરતા આચરવામાં આવી ન હોય એવું ધારી લઈ  શકાય નહીં.

ફરિયાદ પક્ષના જણાવ્યા પ્રમાણે તેનાં ૨૦૦૫માં લગ્ન થયા હતા. તેના પિતાએ લગ્નની ભેટ તરીકે ઓપ્ટ્રા કાર, સોનાનાં ઘરેણાં, રૂ. ૨.૫ લાખ રોકડા આપ્યા હતા. આ ઉપરાંત ઘરવખરીની ચીજવસ્તુઓ પણ આપી હતી. તેમ છતાં લગ્ના થોડા દિવસમાં જ તેને અપૂરતું દહેજ લાવવા બદલ સાસરિયાઓએ ત્રાસ આપ્યો તેમના રોજબરોજના ત્રાસથી કંટાળેલી મહિલાએ ૨૦૦૭માં આત્મહત્યા કરી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું.(૨૧.૪)

(10:48 am IST)