Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

તેલંગાણાના સિદ્દિપેત જિલ્લામાં પત્નીની યાદમાં તાજમહેલ નહીં પરંતુ પતિએ પત્નીનું મંદિર બનાવ્યું

સિદ્દિપેત (તેલંગાણા): તેલંગાણાના સિદ્દિપેત જિલ્લામાં પત્નીનું અવસાન થયા બાદ તેમની યાદમાં પતિએ મંદિર બનાવ્યું છે અને આ મંદિરે પત્નીની દરરોજ પુજા કરવામાં આવે છે.

શાહજહાંએ પોતાની બેગમ માટે આગ્રામાં તાજમહેલ બનાવ્યો હતો તે વાત તો સૌ કોઈ જાણે છે. આજના સમયમાં કોઈ આવું કરે તે ભાગ્યે જ બને છે. પરંતુ એક વ્યક્તિએ આવું જ કંઈ કર્યું છે. તેણે પત્નીની યાદમાં તાજમહેલ તો નહીં પરંતુ પત્નીનું મંદિર બનાવ્યું છે.

તેલંગાણાના સિદ્દિપેત જિલ્લાની આ ઘટના છે. જ્યાં વિજળી વિભાગના રિટાયર્ડ કર્મચારી ચંદ્ર ગૌડે પોતાની પત્ની રાજમણીની યાદમાં એક મંદિર બનાવી દીધું.

ચંદ્ર ગૌડ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા. તેમની પત્ની રાજમણીનું બિમારીના કારણે મોત થયું હતું. રાજમણીનું નિધન થતાં ચંદ્ર ભાંગી પડ઼્યા. પત્નીની યાદોને તાજી રાખવા માટે તેમણે પત્નીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું.

ચંદ્ર ગૌડે સિદ્દિપેત જિલ્લાના દુબક્કા મંડળમાં રાજમણીની યાદમાં મંદિર બનાવ્યું. અહીં તેઓ દરરોજ પૂજા કરવા અને ફૂલ ચઢાવવા આવે છે. દરરોજ મંદિર આવવું ચંદ્રનું રૂટિન બની ગયું છે. અહીં તેઓ પત્નીને યાદ કરીને ભાવુક થઈ જાય છે.

જો કે આસપાસના લોકો માટે આ મંદિર આકર્ષણનું કેંદ્ર બની ગયું છે. દૂરના ગામમાંથી પણ લોકો આ મંદિર જોવા માટે આવે છે.

(12:00 am IST)