Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

પારિવારીક વર્ચસ્વની લડાઇ માટે દિલ્હીમાં ગેંગવોરઃ સરાજાહેર ધડાધડ ફાયરીંગ થતા ૩ના મોતઃ પાંચને ઇજા

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં સોમવારે સવારે જાહેરમાં કેટલાક શખ્સો દ્વારા ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું. બુરાહી વિસ્તારમાં સંત નગરમાં થયેલી ઘટનામાં એક મહિલા સહિત ત્રણ લોકોનું મોત થયું હતું તથા પાંચથી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે કુખ્યાત ટિલું ગેંગ અને ગોગી ગેંગ વચ્ચે ગેંગવોર સર્જાઇ હતી, જેમાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.

પોલીસે જણાવ્યું કે ફાયરિંગમાં બંને ગેંગના એક એક શખ્સનું મોત થયું, જ્યારે એક સામાન્ય મહિલાનું પણ થયું હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ટિલુ અને ગોગી ગેંગ વચ્ચે અવાર નવાર ગેંગવોર સર્જાતી રહે છે. આ પહેલા પણ બંને ટોળકી વચ્ચે ગેંગવોરમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

બંને ગેંગ વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી પારિવારિક વર્ચસ્વની લડાઇ ચાલી રહી છે, ગેંગવોરમાં અત્યારસુધીમાં અનેક લોકોનાં મોત થયા છે, જેમાં અવારનવાર નિર્દોષ લોકોનાં મોત થતા રહે છે. સુનીલ ઉર્ફ ટિલ દિલ્હીના અલીપુર વિસ્તારનો રહેવાસી અને હાલ તિહાડ જેલમાં બંધ છે. ટિલુ પર હત્યા સહિત અનેક ગંભીર કેસ દાખલ છે, ટિલુ એક વખત પોલીસ કસ્ટડીમાંથી ફરાર પણ થઇ ગયો હતો, પરંતુ પોલીસે તેની ફરી ધરપકડ કરી હતી.તો જિતેન્દ્ર ઉર્ફ ગોગી પણ દિલ્હીના અલીપુર વિસ્તારનો રહેવાસી છે, ગોગી પર હત્યા, લૂંટ, હત્યાનો પ્રયાસથી લઇને અનેક ગંભીર ગુના દાખલ છે.

પોલીસે જણાવ્યું કે સોમવારે બુરાડીમાં ગેંગવોર અંતર્ગત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગ દરમિયાન ગોગી ખુદ હાજર હતો અને જેલમાં બંધ ટિલુ ગેંગના લોકોને મારવા આવ્યો હતો. બંને વચ્ચે આ પહેલા દિલ્હીની ભાગોળે આવેલા રોહિણીમાં અનેક વખત અથડામણ સર્જાઇ ચૂકી છે.

(12:00 am IST)