Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

દહેજ પંથકની ભારત રસાયણ કંપનીમાં બ્લાસ્ટનો મામલો એનજીટીમાં પહોંચ્યો

તપાસ કરવાની માંગ સાથે કંપનીની લાપરવાહી અને કામદારોના સેફટી મુદ્દે સમસ્ત માછીમાર સમાજ દ્વારા એનજીટીમાં ફરિયાદ દાખલ

ભરૂચ જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં બ્લાસ્ટ અને આગની દુર્ઘટનાઓ સર્જાય રહી છે.ત્યારે દહેજ પંથકની ભારત રસાયણ કંપનીમાં ભયકંર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા 31થી વધુ કામદારો ગંભીર રીતે ઘવાયા હતા . 2 ઇજાગ્રસ્તોએ સારવાર દરમ્યાન જીવ ગુમાવતા સમગ્ર બ્લાસ્ટ પ્રકરણની જીણવટભરી તપાસ કરવાની માંગ સાથે કંપનીની લાપરવાહી અને કામદારોના સેફટી મુદ્દે સમસ્ત માછીમાર સમાજ દ્વારા એનજીટી માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના દહેજ પંથકની યશસ્વી રસાયણ પ્રા.લી માં કંપનીમાં ભયંકર આગની ઘટનામાં મોટી માત્રામાં કામદારોનું ભથ્થું થયું હતું.ત્યાર બાદ પણ ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં આગ અને બ્લાસ્ટની ઘટનાઓ યથાવત રહી છે અને આવી દુર્ઘટનાઓમાં કામદારો ગંભીર રીતે ઘવાઈ પણ રહ્યા છે અને જીવ પણ ગુમાવી રહ્યા છે અને જયારે કોઈ દુર્ઘટના સર્જાઈ ત્યારે મોટા ઉપાડેઅધિકારીઓ દોડી આવી સીનસપાટા કરતા હોય છે.પરંતુ ભરૂચ જિલ્લાના ઘણા ઉદ્યોગોમાં કામદારોના સેફટીના સાધનો પૂરતા પ્રમાણમાં હોતા નથી અને જયારે બ્લાસ્ટ કે આગની દુર્ઘટના સર્જાય ત્યારે કંપનીમાં રહેલા ફાયરોના સાધનો પણ કામ લાગતા નથી.જેના કારણે કામદારો જીવ ગુમાવી રહ્યા છે.

ભરૂચ જિલ્લા સમસ્ત માછીમાર સમાજ દ્વારા એનજીટી માં એક ફરિયાદ કરવામાં આવી છે અને ભારત રસાયણ કંપનીમાં સર્જાયેલ બ્લાસ્ટ અને આગની ઘટનામાં જીણવટભરી તપાસ થાય અને ઈજાગ્રસ્ત કામદારોને પુરેપૂરું વળતર મળે તેમજ કંપની સત્તાધીશો ની લાપરવાહી ના કારણે દુર્ઘટના સર્જાઈ હોય તો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર અને દહેજ પંથકમાં આગ અને બ્લાસ્ટની ઘટનાઓ ઉપરા છાપરી બની રહી છે અને સમગ્ર પ્રકરણમાં તંત્ર જ ઉદ્યોગપતિઓને છાવરતી હોવાના આક્ષેપ સાથે પરિમલસિંહ રણા એ જણાવ્યું હતું કે ઉદ્યોગોમાં દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે.પરંતુ ઉદ્યોગપતિઓ સીએસઆર ફંડ થકી તંત્રને ખુશ રાખતા હોવાના કારણે આવી ઘટનામાં તથ્ય બહાર આવતું નથી.ત્યારે ભારત રસાયણ કંપનીમાં સર્જાયેલા બ્લાસ્ટ પ્રકરણમાં સાચી દિશામાં તપાસ થાય અને મૃતકોના પરિવારોને કંપની દ્વારા સારી રીતે જીવન નિર્વાહ કરી શકે તે માટેના પ્રયાસો તંત્ર કરે તેવી માંગ કરી હતી.

(1:01 am IST)