Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

હવે મહાત્મા ગાંધી બનીને દર્શકોના દિલ જીતવા આવશે પ્રતિક ગાંધી:પુસ્તકો પરથી બનશે સિરીઝ

બાયોપિકમાં મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને દર્શાવીને ભારતીય આઝાદીના સમયને જીવંત કરાશે :મલ્ટી-સીઝન શ્રેણી જાણીતા ઇતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાના લખાણો પર આધારિત હશે

મુંબઈ : વેબ સિરીઝ ‘સ્કેમ 1992’માં હર્ષદ મહેતાના પાત્રથી રાતોરાત સ્ટાર બની ગયેલા બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા પ્રતીક ગાંધી પોતાની શાનદાર એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સાબિત કરી છે. હવે તે ટૂંક સમયમાં પડદા પર મહાત્મા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. વાસ્તવમાં, Applause Entertainment એ ગાંધીજીના જીવન પર બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે.

મહાત્મા ગાંધીના જીવન પર આધારિત નવી બાયોપિક સિરીઝ પર કામ ચાલી રહ્યું છે. આ બાયોપિકમાં મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને દર્શાવીને ભારતીય આઝાદીના સમયને જીવંત કરવામાં આવશે. આ મલ્ટી-સીઝન શ્રેણી જાણીતા ઇતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાના લખાણો પર આધારિત હશે. તે તેમના બે પ્રખ્યાત પુસ્તકો ‘ભારત-ગાંધી સે પહેલ’ અને ‘ગાંધીઃ ધ યર્સ ધેટ ચેન્જ્ડ ધ વર્લ્ડ’માંથી લેવામાં આવશે.

 

સમાચાર અનુસાર આ સિરીઝનું શૂટિંગ ભારત અને દુનિયાભરમાં ઘણી અલગ-અલગ જગ્યાએ કરવામાં આવશે. Applause Entertainment પ્રતિક ગાંધીને કાસ્ટ કરીને ખૂબ જ ખુશ છે. અપ્પ્લેઝ એન્ટરટેઈનમેન્ટે તેના ઈન્સ્ટાગ્રામ પર પણ આ માહિતી શેર કરી છે.

મહાત્મા ગાંધીના પાત્ર વિશે પ્રતીક ગાંધી કહે છે, ‘હું ગાંધીવાદી ફિલસૂફી અને તેના મૂલ્યોમાં ઊંડો વિશ્વાસ કરું છું. અંગત રીતે હું મારી રોજબરોજના જીવનમાં તેમના મૂલ્યો અને શિક્ષણને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરું છું. મહાત્માની ભૂમિકા ભજવવી એ મારા થિયેટરના દિવસોથી મારા હૃદયની ખૂબ જ નજીક છે અને હવે ફરીથી સ્ક્રીન પર આ મહાન નેતાની ભૂમિકા ભજવવી એ ખૂબ જ સન્માનની વાત છે. હું માનું છું કે આ ભૂમિકા ગૌરવ, કૃપા અને આત્મવિશ્વાસ સાથે ભજવવી એ એક મોટી જવાબદારી છે. હું સમીર નાયર અને તેની ટીમ સાથે આ પ્રવાસ શરૂ કરવા માટે રાહ જોઈ શકતો નથી.

આ સિરીઝમાં મહાત્મા ગાંધીની શરૂઆતના દિવસોથી લઈને દક્ષિણ આફ્રિકામાં તેમના કામ અને પછી ભારતમાં સંઘર્ષ સુધીની વાર્તા કહેવામાં આવશે. આ શ્રેણીમાં મુખ્યત્વે મહાત્મા ગાંધીની તે વાર્તાઓ દર્શાવવામાં આવશે, જેના વિશે બહુ ઓછી જાણકારી છે. રામચંદ્ર ગુહાને વિશ્વાસ છે કે આ શ્રેણી તેમના પુસ્તકો સાથે સંપૂર્ણ ન્યાય કરશે.

(7:20 pm IST)