Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

સ્ટીલ બાદ સિમેન્ટના ભાવ પણ વધ્યા :સિમેન્ટ કંપનીઓએ થેલી દીઠ 50 રૂપિયા સુધીનો વધારો કર્યો

કાચો માલ મોંઘો થવાથી સિમેન્ટ બનાવતી કંપનીઓએ 12 ટકા સુધી ભાવ વધારી દીધા

નવી દિલ્હી :  સિમેન્ટ ની થેલીનો ભાવ 30થી 50 રૂપિયા વધી ગયો છે કાચો માલ) મોંઘો થવાથી સિમેન્ટ બનાવતી કંપનીઓએ 12 ટકા સુધી ભાવ વધારી દીધા છે.  સિમેન્ટના ભાવ વધતા ઘર ખરીદવું કે ઘરનું સમારકામ કરાવવું મોંઘું થઈ ગયું છે. અરે. ! માત્ર ઘર જ નહીં, રસ્તા, પુલ, સ્કૂલ સહિતનાં પ્રોજેક્ટ્સનો બાંધકામ ખર્ચ પણ વધી જશે. એટલે કે, આગામી દિવસોમાં કોઈ સરકારી પ્રોજેક્ટનું કામ ધીમું ચાલતું દેખાય કે કોઈ સરકારી પ્રોજેક્ટમાં મજૂરોની માંગ ઘટે તો આશ્ચર્ય ના પામતા !

સિમેન્ટના ભાવમાં થયેલી વૃદ્ધિની અસર આમ આદમીથી લઈને સરકારના બજેટ સુધી પડી છે. કોઈ બિલ્ડિંગને ઊભી કરવામાં સ્ટીલ બાદ સૌથી વધુ જરૂર સિમેન્ટની પડે છે. કુલ બાંધકામ ખર્ચમાં સ્ટીલનો હિસ્સો 25 ટકા હોય છે જ્યારે સિમેન્ટનો હિસ્સો 16-17 ટકા હોય છે. સ્ટીલ તો પહેલેથી જ મોંઘું છે અને હવે સિમેન્ટનો પણ ભાવ વધતા બાંધકામ ખર્ચમાં હજુયે વધારો થશે.  

 

કંપનીઓ મોંઘા કાચા માલનું કારણ બતાવીને કિંમતો વધારી રહી છે. આયાતી કોલસાના ભાવ આભ આંબી રહ્યાં છે, પરિણામે સિમેન્ટનો ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. અધુરામાં પૂરું, પેટ્રોલ-ડીઝલ મોંઘું થવાથી પરિવહનનો ખર્ચ પણ વધ્યો છે. સિમેન્ટ કંપનીઓનું માનવું છે કે, તેમના ઉત્પાદન ખર્ચમાં થેલી દીઠ 60-70 રૂપિયાનો વધારો થયો છે, પણ તેની સામે કિંમતો એટલી વધી નથી. એટલે કે સિમેન્ટના ભાવ વધવાની એક લહેર હજુયે આવે તેવી શક્યતા છે.  

સિમેન્ટના ભાવ એવા સમયે વધ્યા છે જ્યારે ભારતીય અર્થતંત્ર કોરોનાની થપાટમાંથી બેઠું થવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ભારતમાં માગ વધવાનો અંદાજ છે. રેટિંગ એજન્સી ઈકરાનું કહેવું છે કે, નાણાકીય વર્ષ 2022-23માં દેશમાં સિમેન્ટની માગ 7-8 ટકા વધીને 38.2 કરોડ ટન સુધી પહોંચી શકે છે જે ગયા નાણાકીય વર્ષમાં 35.5 કરોડ ટન હતી.  

સિમેન્ટની માગ વધશે અને કંપનીઓ કિંમત વધારશે તો, તેમની બેલેન્સ શીટ તો મજબૂત થશે જ પરંતુ સિમેન્ટનો ઉપયોગ કરનારા લોકોએ વધુ એક મોરચે મોંઘવારી સામે લડવું પડશે તે નક્કી છે.

(1:35 pm IST)